ઇંગ્લેન્ડ સામે મોટેરા ખાતેની બંને ટેસ્ટમાં 50% પ્રેક્ષકોને છૂટ મળે એવી પ્રબળ સંભાવના
ઓસ્ટ્રેલિયા સામેની ઐતિહાસિક ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા હવે ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે ટકરાશે. 4 ટેસ્ટની પહેલી બે ટેસ્ટ ચેન્નઈમાં અને બીજી બે ટેસ્ટ અમદાવાદમાં રમાશે. ક્રિકેટપ્રેમીઓ માટે સારા સમાચાર છે કે BCCI ઓસ્ટ્રેલિયન બોર્ડે જે રીતે તાજેતરમાં ટેસ્ટ શ્રેણી રમાડી એ મોડલમાંથી પ્રેરિત થઈને 50% દર્શકોને મેચ જોવાની પરવાનગી આપી શકે છે.
7 ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ શરૂ થવાની છે. એ પૈકી 24 ફેબ્રુઆરીથી શરૂ થનારી ત્રીજી ડે-નાઈટ ટેસ્ટ મેચ અમદાવાદ ખાતે પિન્ક બોલથી રમાશે, જ્યારે ચોથી ટેસ્ટ પણ અમદાવાદમાં જ રમાશે. આ ઉપરાંત ઈંગ્લેન્ડ વિરુદ્ધની તમામ 5 T-20 મેચ પણ મોટેરામાં જ રમાશે.
આ અંગે ગુજરાત ક્રિકેટ એસોસિયેશન સાથે જોડાયેલા એક સૂત્રે કહ્યું હતું કે “લગભગ નક્કી જ છે કે 50% દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ મળશે. આપણું સ્ટેડિયમ વર્લ્ડનું સૌથી મોટું હોવાથી 50% કેપેસિટીએ પણ 50 હજારથી વધુ દર્શકો મેચનો આનંદ ઉઠાવી શકશે. મેચની ટિકિટનું વેચાણ ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયા સુધીમાં શરૂ થશે. ટિકિટના ભાવ અંગે હજી કઈ નક્કી કરવામાં આવ્યું નથી, પરંતુ ધારણા છે કે બુકિંગ શરૂ થાય એના અર્ધી કલાકમાં સોલ્ડ આઉટ થઈ જશે.”
ટીમ ઈન્ડિયા એક મહિનો અમદાવાદમાં ધામા નાખશે
- BCCIએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખતાં ઇંગ્લેન્ડ સામેની સિરીઝ માટે માત્ર ત્રણ સ્થળ જ રાખ્યાં છે.
- ચેન્નઈ ખાતે 17 ફેબ્રુઆરીએ બીજી ટેસ્ટ સમાપ્ત કર્યા પછી ટીમ 2 ટેસ્ટ અને 5 T-20 માટે અમદાવાદ આવશે.
- T-20 સિરીઝની અંતિમ મેચ 20 માર્ચે રમાશે, એટલે કે ઇન્ડિયન ટીમ 17/18 ફેબ્રુઆરીથી 20/21 માર્ચ સુધી અમદાવાદમાં જ બાયો-બબલમાં રોકાશે.
નમસ્તે ટ્રમ્પ માટે AMCએ 9 કરોડનો ખર્ચો કર્યો હતો
- અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વિદાય થઈ ગઈ છે અને નવા રાષ્ટ્રપ્રમુખ તરીકે જો બાઈડને શપથ લઈ લીધા છે.
- ત્યારે પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ગત ફેબ્રુઆરી માસમાં અમદાવાદ ખાતે મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ માટે આવ્યા હતા, જેની પાછળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રૂપિયા 9 કરોડનો તોતિંગ ખર્ચ કર્યો હોવાનું બહાર આવ્યું છે.
- અમદાવાદના એક RTI એક્ટિવિસ્ટે કરેલી RTIમાંથી મળેલી માહિતી મુજબ, નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પાછળ AMCએ રૂપિયા 1 કરોડ જેટલો ખર્ચ કર્યો હતો, જેમાં રસ્તાના રીસર્ફેસિંગ માટે 7 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.
- તમામ બ્રિજ પર રિપેરિંગ અને કલરકામ પાછળ રૂપિયા 90 લાખનો તોતિંગ ખર્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે ખાલી હોર્ડિંગ્સ પાછળ રૂપિયા 50 હજારનો ખર્ચ કરવામાં આવ્યો હતો.