ગાંધીનગરગુજરાત

મુખ્‍યમંત્રી બાગાયત વિકાસ મિશન એ મુખ્‍યમંત્રીના બિનખેડૂત મિત્રો, ઉદ્યોગપતિ મિત્રોને માલામાલ કરવાનો પ્રયાસ માત્ર : પરેશ ધાનાણી

ગુજરાતમાં ૫૪ લાખ કરતાં વધારે ખેડૂતો અને ૬૮ લાખ કરતાં વધારે ખેતમજૂરો છે. રાજ્‍યમાં આજે ખેત ઉત્‍પાદન મોંઘું થતું જાય છે, પોષણક્ષમ ભાવનો અભાવ છે, વીજળી-સિંચાઈના મોંઘા દર, મોંઘા ખાતર-બિયારણ-ઓજારના કારણે ગુજરાતનો ખેડૂત અને ખેતમજદૂર હવે પાયમાલ થઈ ગયો છે. ખેડૂતોને બે ગુંઠા જમીન જોઈતી હોય તો સરકાર નનૈયો ભણે છે. ખેતમજદૂરોને સાંથણીની જમીન આપવાની વ્‍યવસ્‍થા જે વર્ષોથી ચાલતી હતી તેને સદંતર બંધ કરી દેવામાં આવી છે. નાના માણસને છાપરું બનાવવા માટે ૧૦૦ ચો.વારનો મફત પ્‍લોટ જોઈતો હોય તો ભાજપ સરકાર નનૈયો ભણે છે, બીજીબાજુ મુખ્‍યમંત્રી બાગાયત વિકાસ મિશનના નામે મુખ્‍યમંત્રીના મિત્રોને માલામાલ કરવાની યોજનાનો ગુજરાતમાં આરંભ થયો છે.
રાજ્‍ય સરકારના આવા નિર્ણયની આકરી ટીકા કરતાં વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, રાજ્‍યમાં સરકારી ખરાબા, પડતર અને ગૌચર સહિત ૧,૦૦૦ કરોડ ચો.મી. કરતાં વધુ જમીનો ભૂતકાળમાં પોતાના મિત્રોને રૂ. ૧ના ટોકનદરે ધરી દીધી છે. હવે જમીન વેચવાની બાકી નથી રહી. ખેડૂતોને ખેતરમાં પાણી નથી મળતું ત્‍યારે ઉદ્યોગોમાં સરકાર જોઈએ તેટલું પાણી ઉપલબ્‍ધ કરાવે છે. ખેડૂતોને ખેતરમાં વીજળી મળતી નથી ત્‍યારે ઉદ્યોગપતિઓના કારખાના ૨૪ કલાક ધમધમે એવી વ્‍યવસ્‍થા ભાજપ સરકાર કરે છે. આજે નાના ખેડૂતોને પરસેવો પાડવો છે પરંતુ તેની પાસે જમીન પર્યાપ્‍ત નથી. ખેતમજદૂરને પરસેવો પાડવો છે તો તેની પાસે જમીન ખેડવાના અધિકાર નથી. હવે ભાજપ સરકાર ગુજરાતની રાજકીય સંપત્તિ, ગુજરાતની પ્રજાની સંપત્તિ સમાન ૫૦,૦૦૦ હેક્‍ટર જેટલી સરકારી ખરાબા અને પડતરની જમીનો માત્ર રૂા. ૫૦૦ પ્રતિ એકરના ભાવે ૩૦ વર્ષના લાંબા ભાડાપટ્ટે લીઝ ઉપર આપવાનું ષડયંત્ર કર્યું છે. આ યોજના અંતર્ગત ખેડી ન શકાય તેવી બિન ઉપજાઉ સરકારી પડતર જમીનો પ્રગતિશીલ ખેડૂતો, સક્ષમ વ્‍યક્‍તિઓ, સંસ્‍થાઓ, કંપનીઓ અથવા ભાગીદારી પેઢીને ફળવાશે. આ મુખ્‍યમંત્રી બાગાયત વિકાસ મિશન નહીં મુખ્‍યમંત્રીના બિનખેડૂત મિત્રો, ઉદ્યોગપતિ મિત્રોને માલામાલ કરવાનો પ્રયાસ માત્ર છે.
વિરોધપક્ષના નેતાશ્રીએ જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં કૃષિ ક્રાંતિને નવી દિશા આપવી જ હોય તો ખેડૂત-ખેતમજદૂરોને સરકારે જમીન આપવી જોઈએ. લાખો પરિવાર કે જે છાપરા વિહોણા છે તેમની ૧૦૦ ચો.વારના પ્‍લોટની માંગણીઓ મંજૂર કરવી જોઈએ. ખેડૂતોને પાણી માટે થઈને બે ગુંઠા જમીન આપતા સરકારને આલ આવે છે અને બીજીબાજુ મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને ૫૦,૦૦૦ હેક્‍ટર જમીન પાણીના ભાવે લુંટાવવાનું ષડયંત્ર રચ્‍યું છે ત્‍યારે સમગ્ર ગુજરાતના ખેડૂતો-ખેતમજદૂરો-ગરીબ-ગામડા હવે આ લડાઈને આગળ ધપાવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x