ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા જેવી સ્થિતિ : લદ્દાખ પછી ભારતે અરૂણાચલ સરહદે 10,000 જવાનો ખડકવા પડ્યા
નવી દિલ્હી :
લદ્દાખ સરહદે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ચીનના સૈન્ય સાથે સંઘર્ષને પગલે બંને પડોશી દેશો વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે અને ભારતે અહીં ૫૦,૦૦૦થી વધુ જવાનોને તૈનાત કરી દીધા છે. આવા સમયે ચીને હવે પૂર્વોત્તરમાં અરૂણાચલ પ્રદેશમાં પણ નવો મોરચો ખોલ્યો છે. અરૂણાચલમાં ચીને એક આખું ગામ વસાવી દીધા પછી ઘોર નિંદ્રામાંથી બેઠાં થયેલી કેન્દ્ર સરકારે હવે અરૂણાચલ પ્રદેશમાં ૧૦,૦૦૦થી વધુ જવાનો ખડકવાનો નિર્ણય કર્યો છે. અરૂણાચલમાં આખું ગામ વસાવી દીધું હોવાના અહેવાલો પછી ચીને નફ્ફટાઈપૂર્વક દાવો કર્યો હતો કે તેણે પોતાની સરહદમાં બાંધકામ કર્યું છે. ચીનના આ દાવાઓથી ભારત સરકારની ચિંતા વધી ગઈ છે અને તેણે ૩,૦૦૦ જવાનોને પૂર્વોત્તરના રાજ્યોમાંથી સરહદ પર નિયુક્ત કરી દીધા છે.
પૂર્વોત્તરના રાજ્યોમાં આંતરિક સલામતી વ્યવસ્થા મજબૂત જણાતાં ભારતે અરૂણાચલ પ્રદેશ સહિતના વિસ્તારોમાંથી જવાનોની સંખ્યા ક્રમશઃ ઘટાડવાની કવાયત હાથ ધરી છે. ભારતીય સૈન્ય પૂર્વોત્તરના રાજ્યોમાંથી જવાનોને ખસેડીને સરહદોના રક્ષણના તેના મુખ્ય કામ પર ધ્યાન આપશે. વર્ષોથી અરૂણાચલ પ્રદેશને પોતાનો પ્રાંત ગણાવતા ચીને તાજેતરમાં આ વિસ્તારમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) નજીક એક આખું ગામ વસાવી દીધું હોવાના સમાચારોના પગલે કેન્દ્ર સરકાર સફાળી જાગી છે.
ભારતીય સૈન્યે હવે પૂર્વોત્તરના રાજ્યોમાં ચીનના જોખમને ધ્યાનમાં લઈને વર્ષના અંત સુધીમાં વધારાના ૧૦,૦૦૦ જવાનો તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે તેમ નામ જાહેર નહીં કરવાની શરતે સૂત્રોએ જણાવ્યું હતું.
પૂર્વોત્તરમાં જવાનોની તૈનાતીનો આશય સંવેદનશીલ વિસ્તારોમાં ચીનના સૈન્ય સાથે કોઈ સંઘર્ષ થાય તો સરહદીય મોરચા પરના જવાનોને ત્વરીત સહાય પહોંચાડવાનો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારતીય સૈન્યે હાલ પૂર્વોત્તરમાંથી ૩,૦૦૦ જવાનોને હટાવી લીધા છે અને અરૂણાચલ પ્રદેશમાં એલએસી પર તેમની નિયુક્તિ કરી દીધી છે. બાકીના ૭,૦૦૦ જવાનોને પણ વર્ષના અંત સુધીમાં આંતરિક વિસ્તારોમાંથી હટાવીને સરહદ પર મોકલાશે. નિષ્ણાતોનું માનવું છે કે આ નિર્ણયથી સરહદની સલામતી પર સૈન્યનું ફોકસ વધશે.
અગાઉ અનેક સંસદીય પેનલોએ પણ તેમના રિપોર્ટમાં જણાવ્યું હતું કે આતંકવાદ, બળવા વગેરે પર નિયંત્રણ લાવવાની જગ્યાએ સૈન્યનું મુખ્ય ફોકસ દેશની સરહદોની સલામતી તરફ હોવું જોઈએ. કારગીલ રીવ્યૂ સમિતિએ પણ ફેબુ્રઆરી ૨૦૦૦માં તેના રિપોર્ટમાં કહ્યું હતું કે, સૈન્યના જવાનોને આતંકવાદ, બળવો રોકવાની ફરજ સોંપવાના કારણે સરહદોની સલામતી પરથી તેનું ફોકસ હટી જાય છે. તાજેતરમાં જ આર્મી ચીફ મુકુંદ નરવાણએ જણાવ્યું હતું કે સૈન્યે ઉત્તર પૂર્વથી જવાનોને ઘટાડવાનું શરૂ કરી દીધું છે, જેથી બહારના જોખમો પર વધુ સારી રીતે ફોકસ કરી શકાય. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, હાલ જમ્મુ-કાશ્મીરમાંથી ફોર્સ ઘટાડવાની તેમની કોઈ યોજના નથી.