PM મોદીએ ટીમ ઈન્ડિયાની જીતનુ ઉદાહરણ રજૂ કરીને વિદ્યાર્થીઓને આપ્યો આવો સંદેશ
નવી દિલ્હી :
ભારતે ઓસ્ટ્રેલિયાને તેના ઘર આંગણે હરાવીને સર્જેલા ઈતિહાસ બાદ આ ભવ્ય જીતના પડઘા હજી પણ પડી રહ્યા છે.
ખુદ પીએમ મોદીએ આજે આસામની તેજપુર યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને કરેલા ઓનલાઈન સંબોધનમાં ટીમ ઈન્ડિયાની જીતનુ ઉદાહરણ આપ્યુ હતુ. તેમણે વિદ્યાર્થીઓને સંદેશ આપતા કહ્યુ હતુ કે, પહેલી ટેસ્ટમાં ભારતની બહુ કારમી હાર થઈ હતી.સામે બહુ પડકારો હતા, ખેલાડીઓ ઈજાગ્રસ્ત હતા પણ ખેલાડીઓએ તેનો પણ ઉકેલ શોધ્યો હતો. નવા ખેલાડીઓમાં અનુભવ ઓછો હતો પણ હિંમત બહુ હતી. તક મળતા જ તેમણે ઈતિહાસ સર્જી દીધો હતો અને આટલી દિગ્ગજ ટીમને પરાસ્ત કરી હતી.
ક્રિકેટના મેદાન પરનુ પ્રદર્શન આપણને શીખવાડે છે કે જાત પર વિશ્વાસ મુકવો જોઈએ અને પોઝિટિવ માઈન્ડસેટ સાથે આગળ વધવુ જોઈએ. જો તમારી સામે આસાનીથી નીકળી જવાનો અથવા તો પડકારોનો સામનો કરીને જીતવાનો મોકો હોય તો પડકારોવાળો રસ્તો પસંદ કરવો જોઈએ. જોખમ લેવાથી ડરવુ જોઈએ નહીં. વગર કારણનુ પ્રેશર લેવાથી સ્થિતિ ખરાબ થતી હોય છે.
પીએમ મોદીએ વધુમાં કહ્યુ હતુ કે, કોરોના સામે જ્યારે દેશે લડાઈ શરુ કરી ત્યારે શંકા હતી કે આટલી મોટી વસ્તી, રિસોર્સીસની અછત વાળો દેશ બરબાદ થઈ જશે પણ ભારતે પડકારોનો સામનો કર્યો હતો અને ઝડપથી નિર્ણય લીધા હતા. હવે કોરોનાની રસી લોકોને રક્ષણ માટે વિશ્વાસ અપાવી રહી છે. ભારતમાં હેલ્થ સેક્ટરની સુવિધાઓ ઝડપથી વધી છે. ડિજિટલ સેકટર પણ ગ્રોથ કરી રહ્યુ છે.મને વિશ્વાસ છે કે, તમે દેશને નવી ઉંચાઈઓ પર પહોંચાડશો.
તેમણે કહ્યુ હતુ કે, ભારત પ્રયોગ કરવાથી ડરતુ નથી.ટોયલેટ બનાવવાનુ અને ગરીબો માટે ઘર બનાવવાનુ અભિયાન તેનો પૂરાવો છે. ઘરે ઘરે પાણી પહોંચાડવાનો મોટો પ્રોજેક્ટ હાથ ધરાયો છે.