ગાંધીનગર સિવિલમાં કરોડોના ખર્ચે વસાવેલું સીટીસ્કેન શોભાના ગાંઠીયા સમાન
ગાંધીનગર :
ગાંધીનગર શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતાં દર્દીઓને સીટીસ્કેનની સુવિધા મેળવવા માટે અન્ય જગ્યાએ જવું ન પડે તે માટે થોડા સમય અગાઉ કરોડો રૃપિયાનો ખર્ચ કરીને નવું મશીન લગાવવામાં આવ્યું હતું. જેના પગલે દર્દીઓને આશા બંધાણી હતી કે, ખાનગીમાં મોઘા ભાવે આ સુવિધા મેળવવી પડશે નહીં પરંતુ ટુંકાગાળામાં જ સામાન્ય ક્ષતિ સર્જાવાના પગલે મશીનને બંધ કરી દેવામાં આવતાં છેલ્લા પાંચ મહિનાથી ધુળ ખાઇ રહ્યું છે. ના છુટકે સારવાર અર્થે આવતાં દર્દીઓને પુનઃ ખાનગીમાં જ વધારે રૃપિયા ખર્ચીને સીટીસ્કેન માટે જવાની ફરજ પડી રહી છે.
રાજ્યના પાટનગરમાં આવેલી ૬૦૦ બેડની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતાં દર્દીઓને અદ્યતન સુવિધા મળી શકે તે માટે કરોડો રૃપિયાનો ખર્ચ તો કરવામાં આવે છે પરંતુ જે મશીનરી મુકવામાં આવી છે તેની યોગ્ય રીતે જાળવણી કરવામાં નહીં આવતાં અવાર નવાર ખોટવાઇ જાય છે અને દર્દીઓને રઝળવાની નોબત આવે છે. સીટીસ્કેનની સુવિધા સારવાર અર્થે આવતાં દર્દીઓને થોડા સમય અગાઉ કરોડો રૃપિયાનો ખર્ચ કરીને સીટીસ્કેનનું મશીન લગાવવામાં આવ્યું હતું. આમ દર્દીઓને પણ સારી સુવિધા મળવાની આશા બંધાણી હતી અને ખાનગીમાં જે વધુ રૃપિયા ચુકવીને સીટીસ્કેન કરાવવું પડતું હતું તેમાંથી રાહત પણ મળી હતી.તો ૩૦૦થી વધુ દર્દીઓ આ સુવિધાનો લાભ પણ દર મહિને લઇ રહ્યાં હતાં. ત્યારે સામાન્ય ક્ષતિ થોડા સમય અગાઉ સર્જાયા બાદ તેનું નિરાકરણ લાવવામાં નહીં આવતાં આ મશીનને બંધ કરવામાં આવ્યું છે તો કોરોનાના કપરાકાળમાં પણ આ મશીન થકી ૧૫૦ થી ૨૦૦ દર્દીઓને સુવિધા મળતી હતી. આમ સીટીસ્કેન બંધ થવાના કારણે કરોડો રૃપિયાના ખર્ચે વસાવેલું મશીન હાલમાં ધુળ ખાઇ રહ્યું છે. તો સારવાર અર્થે આવતાં દર્દીઓને પણ ખાનગીમાં સીટીસ્કેન માટે જવાની નોબત આવી છે. સામાન્ય ક્ષતિને દુર કરવામાં પણ સત્તાવાળાઓ ઉણા ઉતર્યાં હોય તેમ તેનું નિરાકરણ પણ લાવી શકતાં નથી અને દર્દીઓને હેરાન પરેશાન થવું પડે છે. સત્વરે આ ક્ષતિને દુર કરીને પુનઃ સીસીસ્કેન મશીન શરૃ કરવામાં આવે તો દર્દીઓને પણ તેનો લાભ મળી શકે તેમ છે.