નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમો
નવી દિલ્હી :
પ્રખર સ્વાતંત્ર્ય સેનાની અને આઝાદ હિંદ ફોજના સ્થાપક નેતાજી સુભાષ ચંદ્ર બોઝની આજે સવાસોમી જયંતી છે. વડા પ્રધાન સહિત દેશભરના નેતાઓએ સુભાષબાબુને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર મૂકેલા સંદેશામાં લખ્યું કે મહાન સ્વાતંત્ર્ય સૈનિક અને ભારત માતાના સાચા સપૂત એવા નેતાજી સુભાષ ચંદ્ર બોઝને એમની જન્મ જયંતી પર શત શથ પ્રણામ. દેશની આઝાદી માટે એમણે કરેલા ત્યાગ અને સમર્પણને કૃતજ્ઞ એવો દેશ સદા યાદ રાખશે.
રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં લખ્યું કે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની સવાસોમી જન્મજયંતી નિમિત્તે યોજાનારા સમારોહોના શુભારંભ પ્રસંગે નેતાજીને સાદર નમન. એમના અદમ્ય સાહસ અને વીરતાના સમ્માન રૂપે સમગ્ર દેશ એમની જયંતીને પરાક્રમ દિવસ તરીકે ઊજવી રહ્યો છે. નેતાજીએ પોતાના અસંખ્ય અનુયાયીઓમાં દેશપ્રેમની ભાવના પ્રગટ કરી હતી.
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ લખ્યું કે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ખરા અર્થમાં નેતા હતા. દેશની એકતામાં તેઓ દ્રઢ વિશ્વાસ રાખતા હતા. આપણે એમની સવાસોમી જયંતીને દેશનાયક દિવસ તરીકે ઊજવી રહ્યા છીએ.
દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિઁઘે લખ્યું કે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક સુભાષ ચંદ્ર બોઝે આઝાદી માટે પોતાનું સર્વસ્વ ત્યાગીને દરેક મુશ્કેલીનો સામનો કરવાનો પડકાર ઝીલ્યો એવા નેતાજી સુભાષ ચંદ્ર બોઝને એમની જયંતી પર હું પ્રણામ કરું છું. એમનાં સાહસ અને પરાક્રમ આવનારી અનેક પેઢીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.
આ વરસે પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી છે. અગાઉ આ જંગ ફક્ત ભાજપ અન તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે હોવાની છાપ હતી. પરંતુ હવે કોંગ્રેસ, ડાબેરીઓ, અસદુદ્દીન ઓવૈસીનો પક્ષ વગેરે ભળતાં ચૂંટણી રસાકસી ભરેલી બની જવાની શક્યતા છે. ચૂંટણીની પૂર્વસંધ્યાએ બંગાળી પ્રજાની લાગણી જીતવા બધા પક્ષો અને નેતાએા સુભાષ ચંદ્ર બોઝને યાદ કરી રહ્યા હતા.