ગાંધીનગર

પેથાપુરમાં ડમ્પીંગ સાઈટનો સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ

ગાંધીનગર :

રાજયના પાટનગર ગાંધીનગર કોર્પોરેશનની ડમ્પીંગ સાઈટ માટે પેથાપુર પાસે જગ્યા ફાળવવામાં આવી છે ત્યારે પેથાપુર રહીશોની સાથે હવે નવી બનેલી વસાહતના નાગરિકોએ પણ વિરોધ શરૃ કર્યો છે. ગઈકાલે આ મુદ્દે વસાહતીઓની બેઠક થઈ હતી અને ડમ્પીંગ સાઈટનો ઉગ્ર વિરોધ કર્યો હતો. પેથાપુરમાં આરોગ્યની સુવિધાઓ સુદ્રઢ કરવા માંગણી કરાઈ હતી તો આ વિસ્તારને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની પણ રજુઆત કરાઈ છે.

ગાંધીનગર કોર્પોરેશનમાં રોજનો ૬૦થી ૭૦ ટન કરતાં વધુ કચરો ઉત્પન્ન થઈ રહયો છે ત્યારે કોર્પોરેશન પાસે યોગ્ય ડમ્પીંગ સાઈટ જ નથી. આવી સ્થિતિમાં પેથાપુર પાસે સરકારે ડમ્પીંગ સાઈટ માટે જમીન ફાળવી છે ત્યારે સ્થાનિકો દ્વારા પહેલાથી જ તેનો વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે હવે પેથાપુર વિસ્તાર કોર્પોરેશનમાં ભળી ગયો છે અને અહીં ડમ્પીંગ સાઈટ માટેની તજવીજ શરૃ કરવામાં આવી છે ત્યારે ફરીથી ડમ્પીંગ સાઈટનું આંદોલન ઉગ્ર બન્યું છે જેેને ભાજપના સ્થાનિક નેતાઓએ પણ સમર્થન આપ્યું છે. ગઈકાલે પેથાપુરની સ્વપ્નવિલા વસાહત ૧, ર, ૩, જૈન ફલેટ, સ્વપ્ન સ્વર્ગ અને આમ્રકુંજ સોસાયટીના વસાહતીઓ આ મુદ્દે એકઠા થયા હતા અને રજુઆત કરી છે કે ત્રીસ હજારની વસ્તી ધરાવતાં પેથાપુરમાં આરોગ્યની સુવિધાઓ પણ કથળેલી છે અહીં ર૪ કલાક દવાખાનું કાર્યરત કરવાની જરૃર છે. પૌરાણિક જૈન દેરાસર સહિત અન્ય ધાર્મિક સ્થાનો પણ આવેલા છે ત્યારે આ વિસ્તારને ડમ્પીંગ સાઈટ આપવાને બદલે પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની જરૃર ઉભી થઈ છે. અગાઉ વિધાનસભાની ચૂંટણી વખતે રાજય સરકારના મંત્રીએ પેથાપુરમાં ડમ્પીંગ સાઈટ નહીં બને તેવું વચન પણ આપ્યું હતું ત્યારે હવે ડમ્પીંગ સાઈટની તજવીજનો સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહયો છે. કોર્પોરેશનની સામી ચુંટણીએ ભાજપના પેથાપુરના કેટલાક નેતાઓ આ આંદોલનને ટેકો આપી રહયા છે ત્યારે કોર્પોરેશનમાં સત્તાપક્ષ ભાજપના નેતાઓ પણ મુંજવણમાં મુકાયા છે ત્યારે આગામી દિવસમાં ડમ્પીંગ સાઈટ મામલે શું નિર્ણય લેવાય છે તે જોવું રહયું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x