800 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ફેઝ-ટુ માટેની કામગીરી શરૂ, ડફનાળાથી ઈન્દિરા બ્રિજ સુધીનું કામ મંજૂર
રિવરફ્રન્ટ ફેઝ-2ની કામગીરીનો પ્રારંભ કરાયો છે. સૌપ્રથમ રિવરફ્રન્ટ પૂર્વના ડફનાળાથી ઈન્દિરા બ્રિજ સુધી લોઅર પ્રોમિનન્ટ અને વોલ બનાવવાનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે. 80 કરોડના ખર્ચે અહીં 1250 મીટરની લંબાઈમાં તમામ કામગીરી કરવામાં આવશે.
જેમાં ડાઈફ્રામ વોલ અને લોઅર પ્રોમિનન્ટ સુધીનું અર્થ ફિલિંગ રૂ. 40 કરોડના ખર્ચે કરાશે. જ્યારે લોઅર, મિડલ તથા અપર પ્રોમિનન્ટમાં રિટેનિંગ વોલ રૂ.36.42 કરોડના ખર્ચે તૈયાર કરાશે. આ ઉપરાંત ઈલેક્ટ્રિકલ વર્ક પાછળ 2.10 કરોડ ખર્ચાશે. જ્યારે ઈરિગેશન તેમજ હોલ્ટિકલ્ચર કામ માટે 2.12 કરોડ ખર્ચાશે. આ કામમાં 600 મીમી જાડાઈની અને 50 ફૂટ ઊંડાઈની ડાયાફ્રામ વોલ તૈયાર કરાશે. ખાસ કરીને ખાણીપીણી, બાળકો માટે રમત ગમતની જગ્યા, ઓપન જીમ હશે.
ફેઝ-2 અંતર્ગત આર્મી કેન્ટોમેન્ટ પાછળની જગ્યા લેવાની હોવાથી કેન્ટોમેન્ટ બોર્ડ સાથે પણ એમઓયુ કરવામાં આવ્યા હતા અને એમઓયુ બાદ આર્મી તરફથી જરૂરી જમીન સાબરમતી રિવરફ્રન્ટને સોંપાતાં હવે ફેઝ-2નું કામ શરૂ કરાયું છે. કુલ 800 કરોડના ખર્ચે ફેઝ-2નું કામ કરવાનો અંદાજ છે. જેમાં પહેલું ટેન્ડર શુક્રવારે મંજૂર કરાયું હતું.