આજે CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક: 9 અને 11 ની સ્કૂલો શરૂ કરવા અંગે ચર્ચા 4 મહાનગરોમાં કર્ફયુ અંગે પણ નિર્ણય
ઝી મીડિયા/બ્યૂરો :આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. આજે મળનારી કેબિનેટ બેઠક માં અનેક મહત્વની બાબતો પર ચર્ચા કરવામાં આવશે, તેથા મહત્વના નિર્ણયો પણ લેવામાં આવશે. કેબિનેટ બેઠકમાં રાત્રિ કર્ફ્યૂ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિત રાજ્યના ચાર મહાનગરોમાં લાગૂ રાત્રિ કર્ફ્યૂ માં છૂટછાટ આપવા અથવા દૂર કરવા અંગેનો નિર્ણય લેવામાં આવી શકે છે. આ ઉપરાંત રાજ્યમાં ધોરણ 9થી 11ના વર્ગની શાળાઓ શરૂ કરવી કે નહીં તે અંગે પણ ચર્ચા કરવામાં આવી શકે છે.
શાળામાં અન્ય વર્ગો શરૂ કરવા ચર્ચા કરાશે
નોંધનીય છે કે, રાજ્ય સરકારે અગાઉ ધોરણ 10 અને 12 તથા કોલેજના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લીધો હતો, ત્યારે હવે શક્યતા જોવાઈ રહી છે. ધોરણ 9 અને 11ના વર્ગો પણ ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. 1 ફેબ્રુઆરી એટલે કે સોમવાર અથવા 4 ફેબ્રુઆરી એટલે કે ગુરુવારથી વધુ બે વર્ગો ઓફલાઈન શરૂ કરવાનો કેબિનેટની બેઠક માં નિર્ણય લેવાઈ શકે છે. ધોરણ 9 અને 11ના ઓફલાઈન વર્ગોમાં વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે વાલી તરફથી મંજૂરી પત્ર આપવાનો રહેશે. એટલું જ નહીં ધોરણ 6થી 8ના વર્ગો પણ ઓફલાઈન શરૂ કરવા માટે કેબિનેટની બેઠકમાં ચર્ચા થશે. અને 15 ફેબ્રુઆરીથી ધોરણ 6થી 8ના ઓફલાઈન વર્ગો પણ શરૂ કરવા અંગે લેવાઈ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.
ટ્યુશન ક્લાસીસ અંગે પણ જાહેરાત થઈ શકે છે
આ ઉપરાંત રાજ્યના ટ્યુશન ક્લાસીસ સંચાલકો માટે પણ રાજ્ય સરકાર રાહતભર્યો નિર્ણય લઈ શકે છે. કેટલાક વર્ગોના ક્લાસીસ શરૂ કરવા માટે રાજ્ય સરકાર સહમતી આપી શકે છે. કોરોના ગાઈડલાઈન ના પાલન સાથે ટ્યુશન ક્લાસીસના ઓફલાઈન વર્ગો શરૂ કરવા માટે છૂટ મળી શકે છે. જો કે ટ્યુશન ક્લાસીસ શરૂ કરવા માટે કોઈ પરવાનગી સરકાર તરફથી લેવાની રહેતી ના હોવાથી સરકાર પણ સીધી રીતે હવે છૂટછાટ આપવાથી પણ બચશે. કેટલાક નિશ્ચિત દિશાનિર્દેશો ટ્યુશન કલાસીસ માટે રાજ્ય સરકાર જાહેર કરી શકે છે.