IMFએ કહ્યું- વર્ષ 2021માં ભારતીય અર્થતંત્ર 11.5 ટકાની ઝડપથી વૃદ્ધિ પામશે, ભારત ડબલ ડિજિટમાં ગ્રોથ પામનારો વિશ્વનો પ્રથમ દેશ હશે
કેન્દ્ર સરકાર 1લી ફેબ્રુઆરીના રોજ નાણાકીય વર્ષ 2021-22 માટેનું સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહી છે. હવે બજેટ રજૂ થવાને માંડ 5 દિવસનો સમય બાકી છે. એ અગાઉ ભારતીય અર્થતંત્રને લઈ બે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તરફથી સારા સમાચાર મળ્યા છે.
આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF)એ કેલેન્ડર વર્ષ 2021માં ભારતીય અર્થતંત્ર 11.5 ટકા અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UN)એ 7.3 ટકા દરથી વિકાસ પામે એવી પ્રબળ સંભાવના વ્યક્ત કરી છે.
IMFએ કહ્યું છે કે વર્ષ 2021માં ભારત ડબલ ડિજિટમાં ગ્રોથ કરનારો વિશ્વનો પ્રથમ દેશ હશે. કોવિડ-19 મહામારી વચ્ચે ભારત આ ઉપલબ્ધિ હાંસલ કરી શકે છે.
IMF તરફથી મંગળવારે જાહેર કરેલા વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂકમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય અર્થતંત્રમાં રિકવરી ખૂબ ઝડપથી જોવા મળી રહી છે. કોરોનાને લીધે ભારતીય અર્થતંત્રમાં વર્ષ 2020માં 8 ટકા દરથી ઘટાડાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.
આર્થિક વિકાસદરમાં ભારત ચીનને પાછળ રાખી દેશે
વર્તમાન કેલેન્ડર વર્ષમાં અર્થતંત્રની વૃદ્ધિની બાબતમાં ભારત તેના પડોશી દેશ ચીનને પાછળ રાખી દેશે. IMFના આઉટલૂક પ્રમાણે વર્ષ 2021માં ભારતીય અર્થતંત્ર 11.5 ટકા ઝડપથી વૃદ્ધિ પામશે. જ્યારે ચીનની આર્થિક વૃદ્ધિ 8.1 ટકા રહેવાનો અંદાજ છે. ત્યાર બાદ સ્પેન અને ફ્રાંસ અનુક્રમે 5.9 ટકા અને 5.5 ટકા દરથી વૃદ્ધિ નોંધાવશે.
વર્ષ 2022માં 6.8 ટકા દરથી વૃદ્ધિનો અંદાજ
IMFએ કેલેન્ડર વર્ષ 2022માં ભારતીય અર્થતંત્રમાં 6.8 ટકા અને ચીનના અર્થતંત્રમાં 5.6 ટકા દરથી વૃદ્ધિનો અંદાજ છે. તાજેતરના આઉટલૂક સાથે ભારત વિશ્વના વિકાસશીલ દેશોમાં મોખરાના સ્થાન પર રહેશે. ગયા મહિને IMFના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલીના જ્યોર્જિયાએ કહ્યું હતું કે ભારતે કોરોનાનો સામનો કરવા માટે ઘણાં સારાં પગલાં ભર્યાં છે.
સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UN)એ 7.3 ટકા વૃદ્ધિનો અંદાજ વ્યક્ત કર્યો
UNએ વિશ્વની આર્થિક સ્થિતિ અને સંભાવના,2021 નામનો તેનો એક રિપોર્ટ પ્રસિદ્ધ કર્યો છે. આ રિપોર્ટ પ્રમાણે, વર્તમાન કેલેન્ડર વર્ષ (2021)માં ભારતીય અર્થતંત્રની 7.3 ટકાની વૃદ્ધિ જોવા મળશે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાઇરસને લીધે કેલેન્ડર વર્ષ 2020માં ભારતીય અર્થતંત્રમાં 9.6 ટકાનો ઘટાડો થયો છે. UNનું કહેવું છે કે રાજકોષિય અને નાણાકીય પ્રોત્સાહન આપવા છતાં GDPમાં આ ઘટાડો નોંધાયો છે.