ગાંધીનગર

ચૂંટણીની આચારસંહિતાની અમલવારીને લઈ ચૂંટણી પંચ દ્વારા 309 જેટલાં હોડિંગ્સ દૂર કરાયા

ગાંધીનગર :

સ્થાનિક સ્વરાજની ચુંટણી તારીખો જાહેર થતાં ચુસ્ત આચારસંહિતાની અમલવારી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લગાવેલા 309 હોડિંગ્સ, 23 લખાણો અને સ્ટીકરો સહિતને દુર કરવામાં આવ્યા છે. ગાંધીનગર જિલ્લા પંચાયત, દહેગામ અને કલોલ નગરપાલિકા, માણસા, કલોલ અને દહેગામ તાલુકા પંચાયતની ચુંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગીની કામગીરી શરૂ કરી છે. ઉપરાંત મતદારોને રીઝવવા માટે રાત્રી બેઠકો તેમજ સમાજના અગ્રણીઓને રાજી કરવાની કામગીરી હાથ ધરી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પોતાનો ગઢ સાચવી રાખવા માટે રાજકીય પક્ષોએ કાર્યકરોને સતર્ક કર્યા છે. ત્યારે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે બેનર્સ, પોસ્ટર તેમજ ભીંત ઉપર લખાણો લખતા હોય છે. જોકે ચુંટણી પંચની જાહેરાતને પગલે આચારસંહિતની ચુસ્ત અમલવારી કરાવવા જિલ્લા ચુંટણી તંત્રને આદેશ કર્યો છે. જેને પગલે તાલુકા વિકાસ અધિકારીઓ અને નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જાહેરમાં લગાવેલા હોડિંગ, પોસ્ટર તેમજ લખાણોને દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
​​​​​​​જેમાં જિલ્લાના માણસા, કલોલ અને દહેગામ તાલુકાના વિસ્તારમાં તેમજ દહેગામ અને કલોલ નગરપાલિકા વિસ્તારમાં લગાવેલા 309 હોડિંગ્સને દુર કરવામાં આવ્યા છે. જ્યારે ભીંત ઉપર રાજકીય પક્ષો દ્વારા કરેલા 23 જેટલા લખાણો ઉપર કુચડો ફેરવવામાં આવ્યો છે. ઉપરાંત રાજકીય પક્ષના સિમ્બોલવાળા લગાવેલા સ્ટિકરોને પણ દુર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ચુંટણીની આદર્શ આચારસંહિતાના ભાગરૂપે કામગીરી ચુંટણી સુધી કરવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x