સેક્ટર -21 શોપિંગમાં પાર્કિંગ પહેલા ગટરની સમસ્યા હલ કરવા ભાજપના જ કાઉન્સિલરે કરી માગ
ગાંધીનગર :
શહેરમાં સે-21 ડિસ્ટ્રીક્ટ શોપિંગ સેન્ટરમાં પાર્કિંગનું કામ ચાલે છે ત્યારે વોર્ડ-3ના ભાજપના જ કાઉન્સિલરે આવા કામ પહેલા ગટર વ્યવસ્થા યોગ્ય કરવા માગ કરી છે.
શહેરના હાર્દસમા સે-21 ડિસ્ટ્રીક્ટ શોપિંગ સેન્ટરમાં હાલ 15 કરોડના ખર્ચે પાર્કિંગની કામગીરી ચાલી રહી છે. ત્યારે પાર્કિંગના બાંધકામ પહેલાં અહીં ગટર વ્યવસ્થા યોગ્ય કરવા ભાજપના કાઉન્સિલર દ્વારા જ રજૂઆત કરવામા આવી છે. શહેરના વોર્ડ ન-3ના ભાજપના કાઉન્સિલર પ્રણવ પટેલે આ અંગે મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે સે-21 ખાતે ઘણી જગ્યાએ ગટર ઉભરાવવાની સમસ્યા છે આ મુદ્દે વેપારીઓ તથા વસાહતીઓની ફરિયાદો ઘણા સમયથી મળી રહી છે. ત્યારે પાર્કિંગ પ્લેસની કામગીરી પહેલાં ગટરની સમસ્યાનો ઉકેલ કરવો અત્યંત જરૂરી છે.
પાર્કિંગની કામગીરી પૂર્ણ થયા બાદ ગટરની સમસ્યાનો ઉકેલ લવાશે તો મોટો ખર્ચ વ્યર્થ જવાની શક્યતા રહેલી છે. જેને પગલે પહેલાં ગટર ઉભરાવાની સમસ્યાનો ઉકેલ લાવવા કાઉન્સિલરે રજૂઆત કરી છે. આ સાથે તેઓએ પાર્કિગ એરિયામાં જ વ્યાપક પ્રમાણમાં વાણિજ્ય હેતુના ગેરકાયદે દબાણો હોવાથી સ્માર્ટી સિટીનો અર્થ સરતો ન હોવાની વાત કરી હતી.