પાનસર ગામ નજીક GIDC વિસ્તાર પાસે 150 બોરી કેમિકલ વેસ્ટ મળ્યું
કલોલ :
કલોલ તાલુકાના પાનસર ગામમાં તળાવ પાસે રાતના અંધારામાં 150 જેટલી કેમિકલ વેસ્ટની બોરીઓ નાખી જવાના બનાવથી ભારે ચકચાર મચી છે. આ અંગે સરપંચ દ્વારા વિવિધ વિભાગોમાં જાણ કરી પગલાં લેવા માંગ કરવામા આવી છે. ગામ નજીક ફેંકી દેવામા આવેલા આ કેમિકલની તીવ્ર દુર્ગંધ ત્યાંથી પસાર થતા લોકોને આવવા લાગી હતી. તેમજ આંખોમાં બળતરા પણ થવા લાગી હતી જેના કારણે ગ્રામજનોમાં થોડો સમય ફફડાટ વ્યાપી ગયો હતો. પાનસર પાસે છત્રાલ, બિલેશ્વરપુરા તેમજ ધાનોટ જીઆઇડીસી આવેલી છે. 27 જાન્યુઆરીએ રાત્રિ દરમિયાન કોઇ પાનસર રેલવે સ્ટેશનની બાજુમાં તળાવના કિનારા પર કેમિકલ ભરેલી 150 બોરીઓ ઠાલવી ફરાર થઈ ગયા હતા. સવારે ત્યાંથી પસાર થતા લોકોનેે કેમિકલની દુર્ગંધ તેમજ આંખોમાં બળતરા થવા લાગતા સરપંચ પટેલ નર્મદાબેનને જાણ થતા તેઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ અંગે કલોલ તાલુકા મામલતદાર અને પ્રાંત અધિકારીને ઘટના અંગે દોષિતો સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી.
કેમિકલ વેસ્ટને જાહેર માર્ગ પર ફેંકી જવાની માહિતીના પગલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમજ થેલીઓમાં ભરેલા વેસ્ટના નમૂના લીધા હતા. પોલ્યુશન બોર્ડના નિયમ પ્રમાણે આ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવાની જવાબદારી કંપનીની હોય છે.
પાનસર ગ્રામ પંચાયતના સભ્ય ભાર્ગવભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે તળાવના કિનારા પરના નાખેલ આ કેમિકલ તળાવના પાણીમાં જશે તો તળાવનું પાણી પીતા પશુ-પક્ષીઓને ભારે નુકસાન થશે તો સત્વરે આ વેસ્ટનો યોગ્ય નિકાલ થાય તેવી માંગણી કરી હતી.