ગુજરાત સરકારનું 24 દિવસ બજેટ સત્ર 1લી માર્ચથી યોજાશે
આગામી 1 માર્ચથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. સંભવત 24 દિવસ સુધી ચાલનારા આ બજેટ સત્રમાં લવ જેહાદ સહિત અનેક સુધારા વિધેયકો ગૃહમાં રજૂ કરવામાં આવશે. જોકે આ બજેટ સત્ર બન્ને પક્ષે તોફાની બનવાની પૂરી સંભાવનાઓ છે. તો બીજી તરફ રાજય સરકારના અલગ અલગ વિભાગ ઉપરાંત નાણાં વિભાગમાં બજેટ લક્ષી કામગીરીની આખરી તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. જોકે સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ગૃહમાં સંબોધન કરશે. અને ત્યારબાદ રાજ્યના બે પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલ અને સ્વ. માધવસિંહ સોલંકીને ગૃહમાં શ્રદ્ધાંજલિ અપાશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યપાલના સંબોધન બાદ આભાર પ્રસ્તાવ ઉપર ત્રણ દિવસ સુધી ચર્ચા ચાલશે. જ્યારે અંદાજપત્રની સામાન્ય ચર્ચા 5 દિવસ સુધી ચાલશે. તો બીજી તરફ અંદાજપત્રની માંગણીઓ ઉપર 12 દિવસ ચર્ચા માટે ફાળવવામાં આવ્યા હોવાના અહેવાલ છે. જેમાં સત્તાપક્ષ અને વિપક્ષ દ્વારા વિધાનસભાગૃહમાં ધાંધલ ધમાલ થવાની શક્યતાઓ સેવાઇ રહી છે.
રાજ્ય સરકાર લવ જેહાદ સહિત અન્ય સુધારા વિધેયક ગૃહમાં રજૂ કરશે, તો આ બજેટ સત્રમાં કેગનો ઓડિટ અહેવાલ પણ રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર આગામી 1 લી માર્ચથી શરૂ થશે ત્યારે આ સત્ર દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે લવ જેહાદ, કેન્દ્રીય કૃષિ બિલ, જેવા વિવિધ મુદ્દે ગૃહમાં ઉગ્ર ચર્ચા ચાલશે.