ગાંધીનગર

ગાંધીનગર મહાનગરપાલિકાને મિલકતવેરો નહીં ભરનાર 119 એકમોને કરાશે સીલ, ૬૩૦ એકમોને નોટિસ

ગાંધીનગર
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરા વસુલી હવે સઘન બનાવવામાં આવી છે અને પ્રથમ તબક્કામાં પ૦ હજારના બાકી વેરો ધરાવતાં ૬૩૦ એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી. જેના પગલે પ૦ લાખ ઉપરાંતની વસુલાત કોર્પોરેશનને થઈ ગઈ છે પરંતુ પંદર દિવસની નોટિસ બાદ પણ વેરો નહીં ભરી જનાર ૧૧૯ જેટલા એકમોને સીલ કરવા માટે લીલીઝંડી આપી દેવામાં આવતા હવે કોર્પોરેશનની ટેકસ શાખા ગમે ત્યારે આ એકમોમાં સીલીંગ ઝુંબેશ શરૃ કરશે તો હવે રપથી પ૦ હજાર સુધીના બાકીદારોને નોટીસ આપવાની કામગીરી પણ શરૃ કરવામાં આવનાર છે.
ગાંધીનગર મહાનગરપાલીકા દ્વારા વર્ષ ર૦૨૦-ર૧ના મિલકતવેરાની વસુલાત ગત ૧લી એપ્રિલથી શરૃ કરી દેવામાં આવી હતી અને કોરોના કાળમાં રીબેટ યોજનાના કારણે તા.૩૧ ડીસેમ્બર સુધીમાં કોર્પોરેશનને મિલકતવેરા પેટે ર૭.૧૪ કરોડ જેટલી માતબર રકમની વસુલાત થઈ ગઈ હતી. ત્યારે હવે કોર્પોરેશને મિલકત વેરા વસુલાત સઘન બનાવવાનું નક્કી કર્યું છે. મિલકત વેરાના બાકીદારો પૈકી જે એકમોમાં પ૦ હજાર કરતાં વધુ વેરો બાકી હોય તેવા ૬૩૦ એકમોને શોધી કાઢવામાં આવ્યા હતા અને તેમને જાન્યુઆરી મહિનામાં નોટિસ આપવામાં આવી હતી. જેમાં ૧૧૮ રહેણાંક અને ૪૪૯ જેટલા બિન રહેણાંક એકમોનો સમાવેશ થાય છે. આ નોટિસોના પગલે કોર્પોરેશનની ટેકસ શાખામાં આ બાકીદારોએ વેરો ભરવાનું શરૃ કરતાં પ૦ લાખ જેટલી વસુલાત પણ થઈ ગઈ હતી. તો બાકીદારોને વધુ હજુ પંદર દિવસની મુદ્દતની નોટિસ પણ આપવામાં આવી હતી અને તે નોટિસનો સમયગાળો પૂર્ણ થતાં આવા ૧૧૯ જેટલા એકમોને સીલ કરવા માટેની ઝુંબેશ શરૃ કરવામાં આવનાર છે. તો કોર્પોરેશન વિસ્તારમાં રપ હજારથી પ૦ હજાર સુધીના બાકીદારોને હવે નોટિસ આપવાની કામગીરી પણ ટેકસ શાખા દ્વારા શરૃ કરવામાં આવશે. ચાલુ વર્ષે કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે ત્યારે ટેકસ શાખા દ્વારા શરૃ કરવામાં આવનાર આ સીલીંગ ઝુંબેશમાં કોઈ રાજકીય નેતાઓ આડે નહીં આવે તો કોર્પોરેશનને બાકી વેરો મળી જવાની સંભાવના પણ સેવાઈ રહી છે. પરંતુ દર વખતે કોર્પોરેશન બાકી મિલકતવેરો વસુલવા કામગીરી શરૃ કરે છે અને ત્યારબાદ રાજકીય દબાણને વશ થઈ હથિયારો હેઠા મુકી દેવા પડતાં હોય છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x