ભારત-ઇંગ્લેન્ડ સિરીઝમાં કોહલી પર પહેલી વખત કેપ્ટન તરીકે શાનદાર દેખાવ કરવાનું દબાણ રહેશે
લંડન
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ખેલાડી કેવિન પીટરસને જણાવ્યું હતું કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ટેસ્ટ સિરીઝ રોમાંચક તો રહેશે, પરંતુ આ સિરીઝમાં એક બીજી બાબત પર પણ બધાની નજર રહેશે તે હશે વિરાટ કોહલીની કેપ્ટન્સી. અજિંક્ય રહાણેએ ઓસ્ટ્રેલિયામાં મેળવેલી સફળતા પછી કોહલીની કેપ્ટન્સીની સતત રહાણે સાથે સમગ્ર સિરીઝ દરમિયાન તુલના થશે. રહાણેએ એકદમ વિપરીત પરિસ્થિતિમાં ભારતીય ક્રિકેટ ટીમને સફળતા અપાવી હતી. તેની પાસે દરેક ટેસ્ટ અને દરેક સેશનની સાથે વિકલ્પો ઘટતા જતા હતા. તેની પાસે ખેલાડીઓ લેવા માટેના પણ વિકલ્પ ન હતા. તેણે એક જ નિર્ણય કરવાનો હતો કે જે ખેલાડી ફિટ હોય તેને ટીમમાં લેવો. તેમા અંતિમ ટેસ્ટમાં તો તેની પાસે બુમરાહ અને અશ્વિન પણ ન હતા. આ પ્રકારના સંજોગોમાં તેણે મેચ અને તેની સાથે સિરીઝ જીતાડી બતાવી.
તેનાથી વિપરીત ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પૂર્વે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના વિજયના લીધે ઉત્સાહથી સજ્જ છે. કોહલી સહિતની સમગ્ર ટીમ મહદ અંશે પૂર્વવત્ થઈ ગઈ છે. આ સંજોગોમાં કોહલીની કેપ્ટન્સી કેવી રહે છે તેના પર બધાની નજર રહેશે. બીજા શબ્દોમાં કહીએ તો રહાણેની કેપ્ટન્સી હવે કોહલી માટે સારો દેખાવ કરવાનો માપદંડ બની ગઈ છે. આ પહેલા કોહલી માટે જે રીતે ધોનીની કેપ્ટન્સી સારા દેખાવનો માપદંડ હતી તેવી જ સ્થિતિ ફરીથી છે. કોહલીએ ધોનીનો ટેસ્ટ સફળતાપૂર્વક પસાર કર્યો હતો. હવે તેની સામે નવો માપદંડ રહાણેનો છે. આ સિરીઝમાં કોહલી અને જેમ્સ એન્ડરસન અને જોફ્રા આર્ચર અને પૂજારા વચ્ચનો મુકાબલો પણ જોવા મળશે અને તેનો રોમાંચ જ અલગ હશે. તેની સાથે બુમરા ભારતીય પીચો પર ઇંગ્લેન્ડના બેટ્સમેનોને કેટલો પરેશાન કરી શકે છે તે પણ જોવાનું રહેશે.
તેણે કહ્યું હતું કે વર્તમાન ટેસ્ટ સિરીઝમાં તો ભારત જ ચોક્કસપણે ફેવરિટ હશે, કારણ કે ઇંગ્લેન્ડે રોટેશન પોલિસી અજમાવતા અમુક ખેલાડીઓને આરામ આપવાનું અને પછી રમાડવાનો નિર્ણય લીધો છે. આમ ભારત સામે પૂર્ણ ક્ષમતાએ ન ઉતરવાનો ઇંગ્લેન્ડનો નિર્ણય તેના માટે જોખમી પુરવાર થઈ શકે છે. ઇંગ્લેન્ડે ભારત સામે ખરેખર બેરસ્ટોને રમાડવાની જરૃર હતી. કોહલીના આવવાથી અને ઇનફોર્મ પૂજારાની સાથે આક્રમક રિષભ પંતની જોડે મિડલ ઓર્ડરમાં રહાણે જેવા ખેલાડીના લીધે ભારતની બેટિંગ લાઇન અપ જબરજસ્ત મજબૂત બની ગઈ છે. તેની સામે ઇંગ્લેન્ડની બેટિંગ લાઇનઅપ સંપૂર્ણપણે કેપ્ટન જો રુટ પર આધારિત છે. આ સિવાય ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ કંઇક ચમત્કાર કરી શકે તેમ છે. આ ઉપરાંત તેની પાસે રોહિત શર્મા જેવો ઓપનર અને શુબમન ગિલ જેવો આશાસ્પદ ખેલાડી છે. ડોમિનિક કોર્કે પણ પીટરસનને વાતને સમર્થન આપ્યું હતું. તેનું માનવું હતું કે ગિલ અને પંત આ સિરીઝના એવા યુવાસ્ટાર હશે જેના પર બધાની નજર હશે.
કોહલી અને રહાણેની કેપ્ટન્સી વચ્ચેનો તફાવત પાડતા ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બોલર શેન લીએ જણાવ્યું હતું કે કોહલી એકદમ જુસ્સાસભર અને આક્રમક કેપ્ટન છે. તેની બોડી લેન્ગવેજ પણ આક્રમક છે. રમત પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા જબરજસ્ત છે. તેના લીધે તે ઇચ્છે છે કે દરેક ખેલાડી તેની આગવી રીતે પણ તેના જેવી પ્રતિબદ્ધતાથી રમતમાં પ્રદાન કરે. આના લીધે કોહલીની હાજરીમાં દરેક ખેલાડીઓ જાણે સાવધાનની મુદ્રામાં હોય છે.તેઓ થોડા ડરતા હોય તેવું પણ લાગે છે. તેનાથી વિપરીત રહાણેની કેપ્ટન્સી રિલેક્સ છે. ખેલાડીઓ માટે તે સરળતાથી ઉપલબ્ધ છે. ખેલાડીઓ તેની સાથે એકદમ રિલેક્સ રહી શકે છે. પણ રહાણે તેના આ જ રિલેક્સેશન મોડમાં પણ મેદાન પર ખેલાડીઓ પાસેથી શ્રેષ્ઠ કરાવી શકે છે. રહાણે ટીમના દરેક ખેલાડીને તે વાત સમજાવવામાં સફળ રહ્યો છે કે ટીમમાં કોઈ સુપરસ્ટાર નથી જે તેમનો બોજો ઉઠાવે, તેથી દરેક ખેલાડીએ તેની ક્ષમતાથી પણ આગળ વધીને પ્રદાન કરવું પડશે. પ્રથમ ટેસ્ટ રમી રહેલા વોશિંગ્ટન સુંદર અને શાર્દૂલ ઠાકુરે અંતિમ ટેસ્ટમાં કરેલો મેચવિનિંગ દેખાવ આનો પુરાવો છે. આટલી પ્રેશરવાળી મેચમાં કમસેકમ નવા ખેલાડી પાસેથી કોઈ નિર્ણાયક દેખાવની આશા ન રાખી શકે. જ્યારે તેઓએ તો ભારતને રીતસરના પરાજયના આરેથી બચાવી લીધું હતું