પેથાપુર ડમ્પિંગ સાઈટનું કામ મુલતવી રાખવા સૂચના
ડમ્પિંગ સાઈટ સામે સ્થાનિકોનો મક્કમ અને અડીખમ વિરોધ થોડાઘણા અંશે રંગ લાવ્યો છે. જે મુદ્દે હવે મેયર રીટાબેને પટેલે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટને લગતી કામગીરી મુલતવી રાખવા જણાવ્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકાને પેથાપુરની સીમમાં જમીન ફાળવવાનો નિર્ણય સરકાર કક્ષાથી લેવાયા બાદ ડમ્પિંગ સાઈટ બનાવવા કવાયત શરૂ કરાઈ હતી. જેની સામે સ્થાનિકો છેલ્લા કેટલાક સમયથી વિરોધ નોંધાવી રહ્યાં છે. પેથાપુરમાં ડમ્પિંગ સાઈટ બનાવવાના મુદ્દે વિરોધ નોંધાવતા રહીશોએ ભાજપ શાસિત મનપા સામે સોશિયલ મીડિયા પર આંદોલન શરૂ કર્યું છે. જેમાં રહીશોએ ‘પેથાપુર છે મક્કમ, ડમ્પિંગના વિરોધમાં છે અડીખમ’ સ્લોગન આપ્યું છે.
આ મામલે જનઆક્રોશને જોઈને ભાજપના સ્થાનિક નેતાઓ પણ ડમ્પિંગ સાઈટના વિરોધમાં ચાલી રહેલા આંદોલનને સમર્થન આપી રહ્યા છે. ડમ્પિંગ સાઈટ મુદ્દે વધતો રોષ આગમી સમયે કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપને અસર કરે તેમ છે. ત્યારે મેયર રીટાબેન પટેલે કમિશનરને પત્ર પાઠવી કામગીરી મુલતવી રાખવા જણાવ્યું છે. જોકે પેથાપુરવાસીઓએ ડમ્પિંગ સાઈટ અન્ય સ્થળે લઈ જઈને જગ્યા જાહેર ઉપયોગ માટે ફાળવવા માગણી કરી છે. આ માગણી અંગે તંત્ર દ્વારા કોઈ નિર્ણય લેવાયો નથી.
અગાઉ ચૂંટણીમાં અપાયેલું વચન પૂરું કરવા માંગ
રહીશોએ ડમ્પિંગ સાઈટની જમીનની ફાળવણી રદ કરવા અનેક રજૂઆત કરી છે. જેમાં 19 જુન 2017માં પેથાપુર સરવેે નં-3053ની 50 એકર જમીન ગાંધીનગર મનપાને લેન્ડીફીલ સાઈટ બનાવવા માટે ફાળવાઈ હતી. જેની સામે પેથાપુર પાલિકાએ સરક્યુલર ઠરાવ પસાર કરી વાંધો ઉઠાવ્યો હતો. તે સમયે ચૂંટણી પ્રચારમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા સભામાં ફાળવેલી જમીનનો હુકમો રદ કરવાના ડમ્પિંગ સાઈટ પેથાપુરમાં નહીં આવે તેવું સ્પષ્ટ વચન આપ્યું હતું.
કલોલમાં પણ ડમ્પિંગ સાઈટ માટે વિરોધ ઉઠ્યો હતો
મનપા અસ્તિત્વમાં આવી ત્યારથી સફાઈની જવાબદારી કોર્પોરેશન હસ્તક છે. તે સમયે કોલવડા નજીક કચરાનો નિકાલ થતો હતો. જે બાદ 2014થી ડોર ટુ ડોર કલેક્શન શરૂ થતા કોર્પોરેશન દ્વારા જગ્યાની માંગણી કરાઈ હતી. જેમાં સે-30 મુક્તિધામ પાછળ હંગામી જગ્યા અપાઈ હતી. 2017માં પેથાપુરમાં વિરોધ ત્યાં કામગીરી થઈ ન હતી. 6મહિના પહેલાાં જ કલોલમાં ડમ્પિંગ સાઈટની કવાયત શરૂ કરાઈ હતી, સોસાયટીના વિરોધથી કામગીરી કરાઈ ન હતી.