ભાજપ ભયમાં: કોન્ફરન્સ પે કોન્ફરન્સ, હાર્દિક સોમવારે નલિયા જશે
ભુજઃ નલિયા દુષ્કર્મકાંડનો રેલો ભાજપીઓ સુધી પહોંચતાં સમગ્ર સંગઠન અને સરકાર બન્ને હલી ઉઠ્યાં છે. પ્રદેશ સંગઠનના મહામંત્રી અને જેમાં કચ્છનો સમાવેશ થાય છે, તેવા ઉત્તર ગુજરાત ઝોનના પ્રભારી કે.સી. પટેલ ડેમેજ કન્ટ્રોલ કરવા દોડી આવ્યા હતા અને પત્રકાર પરિષદ યોજી હતી. તો બીજી તરફ હાર્દિક પટેલે સોમવારે નલિયા જઇને પીડિચ પરિવારને મળવાની જાહેરાત કરતા મામલો વધારે ગરમાયો છે. ભાજપે ગુરુવારે જ કચ્છ ભાજપ સંગઠને સંસદિય સચિવ તેમજ અન્ય ત્રણ ધારાસભ્યોની હાજરીમાં પત્રકાર પરિષદ યોજી હોવા છતાં પ્રદેશ અગ્રણીએ સાંસદ અને અન્ય હોદ્દેદારોની હાજરીમાં માધ્યમોને બોલાવતાં ભાજપ ભીંસમાં આવી ગયો હોય તેમ સપાટી પર તરી આવ્યું હતું.
ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલના કારનામાની માફી કે.સી. પટેલે માગવી પડી
જોવાનું એ છે કે, ગુરુવારે પીડિતાના નામ સાથે ફોટો દર્શાવીને વિવાદમાં આવનારા કચ્છ ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલના કારનામાની માફી કે.સી. પટેલે માગવી પડી હતી. પીડિતાએ જે નિવેદન કર્યું છે તેની તપાસ કરીને બાકીના લોકો તાત્કાલિક પકડાય તે મુદ્દે તપાસ ચાલુ છે. આ સિવાય દોષિતો સામે પગલાં લેવાની વાત દોહરાવાઇ હતી અને સાંસદ વિનોદ ચાવડાએ તેમના ખુલાસા મૂક્યા હતા.
ગુરુવારે માધ્યમોને બોલાવીને ભાજપે આ કાંડને રાજકીય સ્ટંટ સમાન ગણાવ્યો હતો. એ જ વાત શુક્રવારે ગાંધીનગરના પ્રદેશ કેન્દ્ર કમલમમાંથી મૂકાયેલા કે.સી. પટેલે કહી હતી. તેમણે જણાવ્યું કે, શરમજનક અને કલંકિત આ ઘટના છે. સંડોવાયેલાઓ જે કોઇ હોય તેમની સામે કડક કાર્યવાહી થાય તે માટે ગૃહમંત્રી અને સરકારે ત્વરીત પગલાં લીધાં છે. નાનાથી મોટા તમામ દોષિતો સામે એક્શન લેવાશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ન્યાય મળે તેના કરતાં પોતાની રાજકીય ઇચ્છાઓ પૂરી કરવાના પ્રયાસો કરે છે. આપના દિલ્હીમાં મંત્રીઓ અને ધારાસભ્યો જેલમાં છે. ફક્ત રાજકીય હેતુસર આ પક્ષો ગુજરાતમાં શાંતિ અને વિકાસમાં અવરોધ ઉભો કરે છે.
પત્રકાર પરિસદમાં જિલ્લા પ્રમુખ કેશુભાઇ ઉપરાંત ધારાસભ્યો તારાચંદ છેડા, પંકજ મહેતા, ડો. નીમાબેન આચાર્ય, રમેશ મહેશ્વરી, જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, જ્યાં આ કાંડ સર્જાયો છે એ ગુજરાતની પ્રથમ નંબરની વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્યો જયંતીલાલ ભાનુશાળી, છબીલભાઇ પટેલ, કચ્છ સંગઠનના મહામંત્રીઓ વલમજી હુંબલ, શૈલેન્દ્રસિંહ જાડેજા, મીડિયા ઈન્ચાર્જ ઘનશ્યામ આર. ઠક્કર, સહ ઇન્ચાર્જ અનવર નોડે સામેલ થયા હતા.