9થી12માં 19 માર્ચથી પ્રથમ પરીક્ષા 7 જુનથી ધો.9-11માં વાર્ષિક પરીક્ષા
અમદાવાદ
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૯થી૧૨માં પ્રથમ પરીક્ષા અને ધો.૯ અને ૧૧માં વાર્ષિક પરીક્ષાની તારીખો જાહેર કરવામા આવી છે .જે મજુબ ધો.૯થી૧૨માં ૧૯મી માર્ચથી પ્રથમ સત્ર પરીક્ષા શરૃ થશે અને ૭ જુનથી ધો.૯ અને ૧૧માં વાર્ષિક પરીક્ષા લેવાશે.આ વર્ષે આંતરિક ગુણ માત્ર પ્રથમ પરીક્ષાના પરિણામના આધારે જ ધ્યાને લેવાશે.
કોરોનાને લીધે સ્કૂલો જાન્યુઆરી સુધી બંધ રહેતા સ્કૂલોમાં પ્રથમ સત્રની પરીક્ષા લઈ શકાઈ નથી. કોરોનાની સ્થિતિ સુધરતા સરકારે ૧૧ જાન્યુઆરીથી રાજ્યમાં ધો.ધો.૧૦-૧૨ની અને ત્યારબાદ ધો.૯ અને ૧૧ની સ્કૂલો વિદ્યાર્થીઓની હાજરી સાથે રેગ્યુલર શરૃ કરી દીધી છે.હવે સ્કૂલોમાં જ વિદ્યાર્થીઓની હાજરી સાથે પરીક્ષાઓ પણ લેવાશે અને કલાસરૃમમાં જ વિદ્યાર્થીઓને રૃબરૃ બોલાવી પ્રથમ સત્ર પરીક્ષા લેવાશે.ચાલુ શૈક્ષણિક વર્ષમાં એકેડમિ કેલેન્ડર જાળવી શકાયુ નથી ત્યારે હવે આ વર્ષે માત્ર પ્રથમ સત્ર પરીક્ષા જ થશે અને ત્યારબાદ સીધી વાર્ષિક પરીક્ષા લેવાશે. ગુજરાત બોર્ડ દ્વારા સરકારની મંજૂરીથી ધો.૯થી૧૨માં પ્રથમ સત્ર અને ૯-૧૧માં વાર્ષિક પરીક્ષાની તારીખો જાહેર કરી દેવાઈ છે. જે મુજબ ધો.૯થી૧૨માં ૧૯મી માર્ચથી પ્રથમ સત્ર પરીક્ષા લેવાશે અને જે ૨૭ માર્ચ સુધી ચાલશે. જ્યારે ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષા મેમાં પૂર્ણ થયા બાદ ધો.૯ અને ૧૧માં વાર્ષિક પરીક્ષા૭ જુનથી વાર્ષિક પરીક્ષા લેવાશે ,જે ૧૫ જુન સુધી ચાલશે.
સ્કૂલોએ પોતાની રીતે પ્રથમ સત્ર અને વાર્ષિક પરીક્ષા લેવાની રહેશે. બોર્ડ દ્વારા ધો.૯થી૧૨માં ૩૦ ટકા અભ્યાસક્રમ ઘટાડી દેવાયો છે ત્યારે સ્કૂલો બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ૭૦ ટકા અભ્યાસક્રમ મુજબ અને નવા પ્રશ્નપત્ર પરિરૃપ મુજબ પરીક્ષા લેવાની રહેશે. ચાલુ શૈક્ષણિક વર્ષે બીજા સત્રની પરીક્ષા નહી લેવાય. આમ તો બોર્ડના નિયમ મુજબ સ્કૂલોએ પ્રથમ અને બીજી પરીક્ષા લીધા બાદ વાર્ષિક પરીક્ષાના પરિણામમાં આંતરિક મુલ્યાંકન તરીકે પ્રથમ અને બીજી પરીક્ષાના પરિણામના આધારે ૨૦ ગુણમાંથી માર્કસ મુકવાના હોય છે.આ વર્ષે બીજા સત્રની પરીક્ષા જ થનાર ન હોવાથી માત્ર પ્રથમ પરીક્ષાના પરિણામમાંથી આંતરિક મુલ્યાંકનના ગુણ સ્કૂલોએ મુકવાના રહેશે.