મહુવાના વિકાસ પેનલના અશોક વાઢેરે કહ્યું- ‘ભાજપના પ્રમુખે મને બદનામ કરવા માટે લુધિયાણાનો વીડિયો વાયરલ કર્યો’
મહુવા :
મહુવા નગરપાલિકાની ચૂંટણીના ત્રણ દિવસ પહેલા જ એક વાયરલ વીડિયોને લઈ રાજનીતિ ગરમાઈ છે. ગઈકાલે મહુવા શહેર ભાજપ પ્રમુખ રજની ઠાકરએ એક વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. કથિત વીડિયો વોર્ડ નંબર 6ના વિકાસ પેનલના ઉમેદવાર અશોક વાઢેરનો હોવાના લખાણ સાથે વાયરલ થયો હતો. જો કે, અશોક વાઢેરે શરૂઆતથી જ આ વીડિયો પોતાનો ના હોવાનો કહ્યું હતું અને રજની ઠાકર પોલીસમાં અરજી પણ આપી હતી.
આજે અશોક વાઢેરે કહ્યું હતું કે, કથિત વીડિયો લુધિયાણા નો છે અને મને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યો છે, કારણકે આગામી મહુવા નગરપાલિકાની ચૂંટણી માં ઉમદેવાર તરીકે ઉભો છું અને મારી જીતવાની ક્ષમતા પ્રબળ છે જેને લઈ આ ભાજપના પ્રમખુ દ્વારા વીડિયો વાયરલ કરીને મહુવાની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. વાયરલ વીડિયો ‘લુધિયાણા દ શેખ’ નામની સોશિયલ સાઈટ પર હોવાનો દાવો કરાયો છે. વાયરલ વીડિયોમાં પોતે નહીં પણ પંજાબની કોઈ વ્યકિત હોવાનું અશોક વાઢેરે જણાવ્યું છે. અશોક વાઢેરે વીડિયો વાયરલ કરનાર રજની ઠાકર સામે તપાસની માગ કરી છે.