ગાંધીનગર

ગાંધીનગર કોર્પોરેશને પગરવ હોસ્પિટલને કરી સિલ, 56 શાળા-હોસ્પિટલો પાસે ફાયર સેફ્ટી જ નથી

ગાંધીનગર :
રાજયમાં ફાયર સેફટી મુદ્દે હાઈકોર્ટ પણ આકરૂ વલણ અપનાવવાનું શરૂ કર્યું છે. સરકાર દ્વારા રજુ કરાયેલા રીપોર્ટમાં ગાંધીનગરમાં ૨૮ જેટલી શાળા અને ૨૮ જેટલી હોસ્પિટલોમાં ફાયર સેફટી નહીં હોવાનું બહાર આવ્યું છે ત્યારે ફાયર સેફટી મુદ્દે હાઈકોર્ટની ટકોર બાદ હવે કોર્પોરેશન તંત્રની ઉંઘ ઉડી છે અને ફાયર સેફટી વગરના આ એકમોને સીલ કરવા માટેની દોડધામ શરૂ કરવામાં આવી છે. નોંધવું રહેશે કે તંત્ર પહેલાથી જ આવા એકમોને નોટીસો આપીને મન મનાવી લેતું હોય છે ત્યારે હવે શું કાર્યવાહી આગળના દિવસમાં થાય છે તે જોવું રહયું.
ગાંધીનગર શહેરમાંથી જે આદેશો છુટે છે તેનું પાલન સમગ્ર રાજયમાં કરાવવાનું હોય છે પરંતુ આ આદેશોનું પાલન ગાંધીનગરમાં જ નહીં થતું હોવાનું લાગી રહયું છે. ફાયર સેફટીના મુદ્દે હાલ છેલ્લા ઘણા સમયથી રાજય સરકારને હાઈકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી છે. ત્યારે સરકાર દ્વારા રજુ કરેલા રીપોર્ટમાં ગાંધીનગર શહેરમાં જ ૨૮ જેટલી શાળા અને ૨૮ જેટલી હોસ્પિટલમાં ફાયર એનઓસી નહીં હોવાનું કબુલ કરવામાં આવ્યું છે. જેના લઈ કોર્ટે લોકોના જીવના જોખમે સુવિધાઓ આપતાં આ એકમો સામે કડક હાથે કામ લેવા માટે તાકીદ કરી છે ત્યારે કોર્પોરેશન તંત્રએ હવે આ શાળા અને હોસ્પિટલના એકમોમાં સીલીંગનું ઝુંબેશ શરૂ કરી દીધી છે. અત્યાર સુધી કોર્પોરેશન તંત્ર આ એકમોને નોટિસ આપીને સંતોષ માની લેતું હતું. પરંતુ વારંવારની હાઈકોર્ટની ટકોર બાદ તંત્રની ઉંઘ ઉડી હોય તેમ કાર્યવાહી કરવામાં આવી રહી છે. નોંધવું રહેશે કે ગાંધીનગરમાં રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ પ્રવૃતિ પણ મોટા પ્રમાણમાં ફુલીફાલી છે જેની સામે પણ યોગ્ય કાર્યવાહીની જરૂરીયાત ઉભી થઈ છે.
ગાંધીનગરમાં ફાયર સેફટી મુદ્દે હવે કોર્પોરેશન તંત્રએ રહેણાંક વિસ્તારોમાં ચાલતી હોસ્પિટલોને સીલ કરવાનું શરૂ કર્યું છે. જેના ભાગરૂપે આજે સે-૭માં ત્રણ અને સે-ર૩મા એક હોસ્પિટલને સીલ કરવામાં આવી હતી. કોર્પોરેશનની સામે ચૂંટણીએ શરૂ થયેલી આ ઝુંબેશના કારણે સ્થાનિક નેતાઓમાં પણ સીલીંગ ઝુંબેશ બંધ કરાવવા માટે દોડધામ શરૂ થઈ છે.
ગાંધીનગર કોર્પોરેશનમાં ર૮ હોસ્પિટલ અને ર૮ શાળાઓ પાસે ફાયર સેફટી નથી ત્યારે હવે કોર્પોરેશને સીલીંગ ઝુંબેશ શરૂ કરી છે જેના ભાગરૂપે આજે સે-૭માં ડો.જયેશ શાહની હોસ્પિટલ, ડો.જે.ડી.પ્રજાપતિની હોસ્પિટલ, ગીતા ગાયનેક અને સે-ર૩મા પગરવ હોસ્પિટલમાં સીલીંગની કામગીરી કરવામાં આવી હતી. હજુ આગામી દિવસોમાં પણ કોર્પોરેશન અન્ય સેકટરોની હોસ્પિટલોમાં આ કામગીરી કરવાનું છે જેના પગલે કોર્પોરેશનની સામી ચૂંટણીએ હાથ ધરાયેલી આ ઝુંબેશથી સ્થાનિક નેતાઓ પણ દોડતાં થઈ ગયા છે અને કોર્પોરેશન તંત્રને કામગીરી અટકાવવા રજુઆત કરી હતી પરંતુ તંત્રએ હાઈકોર્ટના આદેશનું પાલન કરવામાં આવી રહયું હોય તેમ જણાવી દીધું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x