જનમતથી જિલ્લા અને ત્રણેય તાલુકા પંચાયતમાં કોંગ્રેસ વિજય બની હતી
ગાંધીનગર શહેર અને જિલ્લાને કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો અહીં પ્રજા કોંગ્રેસના ચિન્હ ઉપર ઉમેદવારને ચૂંટી લાવે છે અને સત્તા પણ કોંગ્રેસને અપાવે છે. પરંતુ આ સત્તાને કોંગ્રેસના નેતાઓ પચાવી શકતાં નથી અને આંતરિક વિખવાદોને કારણે કોંગ્રેસના પંજામાંથી ભાજપ સતા આંચકી જાય છે.સ્થાનિક સ્વરાજ્યની ગત ટર્મ વખતે જનમત કોંગ્રેસ તરફ રહ્યો હતો. જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત અને નગરપાલિકા મળીને કુલ ૧૮૨ બેઠકો પૈકી કોંગ્રેસના પંજામાં ૧૧૩ સીટ આવી હતી જ્યારે ૬૯ સીટ ઉપર જ ભાજપ જીતી શક્યું હતું. જનમતથી જિલ્લા પંચાયત ઉપરાંત ત્રણેય તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે ગઇ હતી જો કે, બાદમાં માણસા તાલુકા પંચાયત ભાજપે તડજોડ કરીને પોતાના હસ્તક કરી લીધી હતી.
સમગ્ર ગુજરાતમાં ગાંધીનગર શહેર અને જિલ્લાને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે.ગાંધીનગર જિલ્લામાં પ્રજા કોંગ્રેસના ચિન્હ પર ઉમેદવારને ચૂંટી લાવતી હતી અને ગાંધીનગર જિલ્લા પંચાયતમાં જ નહીં, પરંતુ તાલુકા પંચાયતોમાં તેમજ નગરપાલિકાઓમાં પણ કોંગ્રેસને સત્તા પ્રજા અપાવતી હતી.ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો ઉપર નજર કરીએ તો, ગાંધીનગર જિલ્લા પંચાયતની ૩૦ બેઠકો પૈકી ૨૫ બેઠકો ઉપર મતદારોએ કોંગ્રેસના ઉમેદવારને જીતાડયા હતા. જ્યારે ભાજપ ફક્ત પાંચ બેઠકો જીતવામાં સફળ રહી હતી. જો કે, ત્યાર બાદ પેટા ચૂંટણીમાં ભાજપે પાનસરની બેઠક જીતી હતી એટલે છેલ્લી સ્થિતિએ ૩૦ બેઠકોમાંથી કોંગ્રેસ પાસે ૨૪ જ્યારે ભાજપ પાસે છ બેઠકો રહી હતી. આવી જ રીતે દહેગામ, કલોલ અને માણસા તાલુકા પંચાયતમાં પણ મતદારો કોંગ્રેસ તરફ રહ્યા હતા અને આ ત્રણેય તાલુકા પંચયતો પર કોંગ્રેસ જનમતથી જીતી હતી. દહેગામ તાલુકા પંચાયતમાં ની ૨૮ બેઠકમાંથી ૧૭ કોંગ્રેસ જ્યારે ૧૧ બેઠક ભાજપના ફાળે ગઇ હતી. કલોલ તાલુકા પંચાયતમાં માં ૨૮ બેઠકમાંથી ૨૪ બેઠકો કોંગ્રેસના પંજામાં જ્યારે ફક્ત ચાર બેઠકો ભાજપ પાસે રહી હતી. જ્યારે માણસા તાલુકા પંચાયતમાં કુલ ૨૪ સીટમાંથી ૧૮ બેઠકો કોંગ્રેસના ઉમેદવારો જીત્યા હતા જ્યારે ફક્ત છ સીટ પર ભાજપ વિજય બનવામાં સફળ રહ્યું હતું. જો કે, અહીં પણ પક્ષપલટો કરીને ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી હતી.
ગત ટર્મમાં નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પંચાયતો કરતા વિપરીત ચિત્ર સામે આવ્યું હતું. કલોલ નગરપાલિકા કે જે ૪૪ બેઠકની હતી તેમાંથી ૨૪ બેઠકો ભાજપના ફાળે જ્યારે ૨૦ બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારો જીત્યા હતા. તેથી પાતળી બહુમતીથી ભાજપે અહીં સત્તાના સુકાન સંભાળ્યા હતા. જ્યારે દહેગામ નગરપાલિકામાં કુલ ૨૮ બેઠકોમાંથી ૧૯ બેઠકો ઉપર ભાજપનો ભવ્ય વિજય થયો હતો જ્યારે ફક્ત ૯ બેઠકો કોંગ્રેસના પંજામાં આવી હતી. આમ, વર્ષ ૨૦૧૫માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ગાંધીનગર જિલ્લા પંચાયત, દહેગામ-કલોલ-માણસા તાલુકા પંચાયત અને દહેગામ-કલોલ નગરપાલિકાની કુલ મળીને ૧૮૨ બેઠકો પૈકી ફક્ત ૬૯ બેઠકો ઉપર ભાજપે વિજય નોંધાવ્યો હતો જ્યારે ૧૧૩ બેઠકો કોંગ્રેસના પંજામાં રહી હતી.
સ્થાનિક સ્વરાજ્યનું નામ ભાજપ કોંગ્રેસ કુલ
ગાંધીનગર જિલ્લા પંચાયત ૦૫ ૨૫ ૩૦
દહેગામ તા.પંચાયત ૧૧ ૧૭ ૨૮
માણસા તા.પંચાયત ૦૬ ૧૮ ૨૪
કલોલ તા.પંચાયત ૦૪ ૨૪ ૨૮
કલોલ નગરપાલિકા ૨૪ ૨૦ ૪૪
દહેગામ નગરપાલિકા ૧૯ ૦૯ ૨૮
કુલ ૬૯ ૧૧૩ ૧૮૨