ગાંધીનગર

ગુજરાતમાં મોઢાના કેન્સરની વહેલી ઓળખ માટે ICMR NEW DELHI ના સહયોગથી ગાંધીનગર જિલ્લામાં મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો આરંભ

ગાંધીનગર તા.૦૮ જાન્યુઆરી – વર્તમાન સ્થિતિમાં સમગ્ર દેશમાં કેન્સરના કેસો વધી રહ્યા છે. જેમાં ગર્ભાશયના મુખનું કેન્સર, સ્તન કેન્સર, મોઢાના કેન્સર પૈકી વધી રહેલા કેન્સરોના કેસમાં મોઢાના કેન્સરનું પ્રમાણ ૨૦% ટકા જોવા મળે છે. તમાકુ, ગુટખા, માવા અને અન્ય નશીલા પદાર્થોના વ્યાપક ઉપયોગને કારણે મોઢાના કેન્સરના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં મોઢાના કેન્સરની વહેલી ઓળખ અને સમયસર નિદાન-સારવાર અત્યંત જરૂરી બની છે.
આ હેતુસર Indian Council of Medical Research (ICMR) ના સહયોગથી એક મહત્વપૂર્ણ સંશોધન પ્રોજેક્ટ ગુજરાતના ગાંધીનગર જિલ્લા ખાતે અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ માટે રાજ્યકક્ષાની બેઠક તા. ૩૦-૧૨-૨૦૨૫ના રોજ જાહેર આરોગ્યના અધિક નિયામકશ્રી ડો. નિલમ પટેલ ની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
હાલમાં ગાંધીનગર જિલ્લામાં ગાંધીનગર તાલુકામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે તેનો પ્રારંભ કરવામાં આવેલ છે ત્યારબાદ સમગ્ર જિલ્લામાં તેમનું અમલીકરણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ મોઢાનું કેન્સર થાય તે પહેલાના સ્ટેજ (ઓ.પી.એમ.ડી.)ની વહેલી ઓળખ માટે નવી તકનીક (ઓટોફ્લોરેશન્સ અને ટોલ્યુડીન બ્લૂ) ની અસરકારકતા માપવી અને સારવાર માટે પદ્ધતિ વિકસાવવાનો છે. પ્રોજેક્ટનું અમલીકરણ નિરામય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં રાજ્ય આરોગ્ય વિભાગ, જિલ્લા આરોગ્ય વિભાગ ગાંધીનગર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ અન્ય સહયોગી સંસ્થાઓ સક્રિય ભાગીદાર તરીકે જોડાયેલા છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા સ્તરના ઓરીએંટેશન, વર્કશોપ તથા તાલીમ કાર્યક્રમોનું આયોજન જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. અશોક વૈષ્ણવ તથા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.ગોતમ નાયકના અધ્યક્ષ સ્થાને આજરોજ સર્કિટ હાઉસ, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય કક્ષાના સી.એચ.સી. ના ડેન્ટીસ્ટશ્રી ડો.અજય પારેખ, ગાંધીનગર તાલુકાના ટી.એચ.ઓ. શ્રી, એમ.ઓ. શ્રી,સી.એચ.ઓ. અને એન.સી.ડી.સેલના કર્મચારી ગણ તથા નિરામય ચેરીટેબલ ટ્રસ્ટના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ તાલીમો દ્વારા મોઢાના કેન્સરની વહેલી ઓળખ, યોગ્ય રેફરલ અને સતત અનુસરણ (ફોલોઅપ) સુનિશ્ચિત કરવામાં આવશે.
આ પ્રોજેક્ટના પરિણામે મોઢાના કેન્સરની વહેલી ઓળખમાં નોંધપાત્ર વધારો થશે, કેન્સરના એડવાન્સ સ્ટેજમાં પહોંચતા કેસોમાં ઘટાડો થશે અને દર્દીઓને સમયસર અને અસરકારક સારવાર મળી શકશે. સાથે જ, ગાંધીનગર જિલ્લામાં મોઢાના કેન્સર રોકવા અને સારવાર માટે એક મજબૂત મોડલ વિકસશે.
ICMR સહયોગથી આ પહેલ ગુજરાતમાં મોઢાના કેન્સર સામેની લડતમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે.સમગ્ર રાજ્યમાં ઓરલ કેન્સરની વહેલી ઓળખ તથા જાહેર આરોગ્ય સુધારણામાં લાંબા સમય સુધીની સકારાત્મક અસર કરશે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો લાભ‌ લેવા ગાંધીનગર ગાંધીનગર તાલુકાની તમામ જનતાને પોતાના મોઢાની તપાસ કરાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *