વિધાનસભામાં સરકારે કર્યો સ્વીકાર : ખાનગી કંપનીઓએ સ્થાનિકોને રોજગારી આપવાના સરકારી નિયમોને ઘોળી પીધાં
ગાંધીનગર :
ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગનો એક નિયમ છે. જે મુજબ સરકારી સહાય મેળવનારી કંપનીઓએ 85 ટકા રોજગારી સ્થાનિકોને આપવાની હોય છે. પરંતુ દેશના સૌથી મોટા ઉદ્યોગગૃહ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે અને કેન્દ્ર સરકારના સાહસો ONGC, IOC અને એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાએ રાજ્ય સરકારના આ નિયમોને ઘોળી પીધાં છે. છેલ્લાં બે વર્ષથી આ નિયમનું પાલન થતું નથી તેવું ખુદ રાજ્ય સરકારે સ્વીકાર્યું છે.
વિધાનસભામાં કોંગ્રેસના ઉપનેતા શૈલેશ પરમાર તથા નાંદોદના કોંગ્રેસી ધારાસભ્ય પ્રેમસિંહ વસાવાએ પ્રશ્નકાળમાં ચર્ચા કરી હતી. અને, રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરને સ્થાનિકોને રોજગારી મામલે સવાલો કર્યાં હતાં. જેના જવાબમાં મંત્રીએ કહ્યું કે સુરતના હજીરામાં આવેલા રિલાયન્સમાં 85 ટકાની સ્થાનિક રોજગારીનું ધારાધોરણ જળવાયું છે. પરંતુ દહેજ એકમ તથા કેન્દ્રની ઓઓનજીસી, આઇઓસી અને એરપોર્ટ ઓથોરીટીએ આ નિયમનો બે વર્ષથી સતત ભંગ કર્યો છે. આ પ્રશ્નનો જવાબ આપતા મંત્રીએ વધુમાં કહ્યું છે કે આ એકમોને સરકાર દ્વારા વારંવાર પત્રો મારફતે આ અંગે ધ્યાન દોરવામાં આવ્યું હતું. તેમ છતાં નાયબ રોજગાર નિયામકે આ મામલે બેઠક કરીને શાંતિથી ચર્ચા કરી હતી. અને, જે-તે એકમોને આ નિયમની ઉંડાણપૂર્વક સમજ આપી હતી. હવે આ એકમોમાં જરૂર હોય ત્યારે-ત્યારે ભરતી મેળા કરીને સ્થાનિક યુવાનોને રોજગારી આપવામાં આવતી હોવાનું પણ મંત્રીએ ઉમેર્યું છે.