લોકોએ સંપૂર્ણ લૉકડાઉનનો ભય રાખવાની જરૂર નથી : રૂપાણી
અમદાવાદ :
છેલ્લા પંદર દિવસમાં કોરોનાના કેસ ગુજરાતમાં વધી રહ્યા હોવાનું સ્વીકારતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે તેમ છતાંય ગુજરાતમાં સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરવામાં આવશે તેવો ભય રાખવાની જરૂર નથી.
પત્રકારો સાથે વાતચીત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોરાના હારશે, ગુજરાત જીતશે તેની અમને ખાતરી છે. તેથી જ અમે વધુ લોકોને વેક્સિન આપવાનું આયોજન કરી રહ્યા છીએ. તેમ જ કોરોનાના ટેસ્ટિંગ પણ વધારી રહ્યા છીએ. લોકોએ પણ સાવધાની વધારવી જરૂરી છે.
તેમણે કહ્યું હતું કે કોરોનાના સંદર્ભમાં કોઈપણ પરિસ્થિતિ નિર્માણ થાય તો તેને પહોંચી વળવામાં અમે સક્ષમ છીએ. કોઈપણ જગ્યાએ વધુ ભીડભાડ ન થાય તે માટેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે. કોરોનાની રસી આપવાની કામગીરીને વધુ વેગ આપવામાં આવશે. કોરોનાના દરદીઓને સારવાર મળી રહે તે માટે પથારીની સંખ્યામાં વધારો કરવાની સૂચના આપી દેવામાં આવી છે.