ગુજરાતમાં લોકડાઉન નહીં થાય, કામદારો સુરત ન છોડે : સી.આર.પાટીલ
સુરત :
સુરતમાં કૉરોનાનો કહેર વધતા શનિ-રવિ ટેક્સટાઇલ બજારો બંધ રાખવાના આદેશ બાદ લોકડાઉનની પણ અફવાઓ દિવસભર ચાલી હતી. 7 મહિના પછી ફરીએકવખત ટેક્સટાઇલ બજાર બંધ રહ્યા. જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વેપારીઓને વારો આવ્યો છે. જોકે મોડી સાંજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કહ્યું હતું કે રાજ્યમાં કોઇપણ પ્રકારનું લોકડાઉન નહીં આવે. જેથી કામદારો સુરત છોડી ક્યાંય પણ જાય નહીં. શહેર સુરક્ષિત છે જેથી કોઇએ પણ કોઇપણ પ્રકારની અફવાઓથી ભરમાયા વિના શાંતિથી રહેવા માટે અપીલ કરી. રવિવાર અને સોમવારે હીરા બજાર અને હીરાના યુનિટો પણ બંધ રાખવા માટે પાલિકાએ આદેશ કર્યો છે. બજારો બંધ રહેવાના કારણે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કેટલાક લોકો કામદારોને ગેરમાર્ગે દોરી વતન મોકલવાના પણ પ્રયાસો કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.