ગુજરાતમાં આજે કોરોનાના કેસનો અત્યાર સુધીનો રેકોર્ડ તૂટ્યો, આજે સૌથી વધુ 1640 કેસ નોંધાયા
ગાંધીનગર :
ગુજરાતમાં આજે કોરોનાના કેસનો અત્યાર સુધીનો રેકોર્ડ તૂટ્યો છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે ગત 24 કલાક દરમિયાન ગુજરાતમાં સૌથી વધુ 1640 કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, 27 નવેમ્બર 2020ના રોજ સૌથી વધુ 1607 કેસ નોંધાયા હતા. આ સાથે જ સાજા થનારની વાત કરવામાં આવે તો 1110 દર્દીઓ સાજા થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 2,76,348 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો 4 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયાં છે, આ સાથે જ રાજ્યમાં 4454 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયાં છે.
ઉલ્લેખનીય છે કે, 19 માર્ચ 2020ના રોજ ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો હતો. જ્યારે કોરોના પોતાની ઊંચાઈ પર હતો અને જ્યારે ગુજરાતમાં સૌથી વધુ કેસ 27 નવેમ્બર 2020ના રોજ 1607 નોંધાયા હતા. આવામાં આજના કેસનો આંકડો આ આંકડાને પાર પહોંચ્યો છે અને 1640 કેસ નોંધાતા ચિંતાનો માહોલ વધી ગયો છે.
મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ચિંતા વધી
મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ખાસ કરીને આજે નોંધાયેલા કેસ એ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત છે. જેમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયેલા છે.
સુરત અને અમદાવાદમાં કોરોનાનો હાહાકાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. સુરત શહેરમાં 429 કેસ અને ગ્રામ્યમાં 54 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 481 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 2 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 139 કેસ, જ્યારે ગ્રામ્યમાં 20 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 126 કેસ અને ગ્રામ્યમાં 26 કેસ નોંધાયા છે.