રમતગમત

ઈન્ડિયા-ઈંગ્લેન્ડની પ્રથમ વન-ડેમાં રોહિત-ધવનની જોડી ઓપનિંગ કરે તેવી શક્યતા, રાહુલ 5માં ક્રમાંક પર બેટિંગ કરે તેવી ચર્ચાઓ

ઇંગ્લેન્ડની વિરૂદ્ધ પહેલી વન-ડે મેચની પૂર્વસંધ્યાએ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઓપનિંગ કોણ કરશે તેનો ખુલાસો કર્યો હતો. અંતિમ T20માં જ્યારે વિરાટ-રોહિતની જોડી ઓપન કરવા આવી હતી ત્યારે લોકોના મનમાં સવાલ ઊભો થયો હતો કે વન-ડેમાં પણ ઓપનિંગ ઓર્ડરમાં ફેરફાર થશે કે કેમ? ભારત 3 વન-ડે મેચની શ્રેણી રમશે, જેની પહેલી મેચ મંગળવારના રોજ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે.

ભારત-ઇંગ્લેન્ડની ટીમે લગભગ એક મહીનો અમદાવાદમાં ધામા નાખ્યા હતા. ભારતે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં અનેકવિધ રેકોર્ડો બનાવ્યા હતા. ટેસ્ટમેચમાં જીત મેળવીને ટીમ ઇન્ડિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યારપછી ભારતે 5 T20 મેચોની શ્રેણીમાં ભવ્ય પ્રદર્શન દાખવીને 3-2થી વિજય મેળવ્યો હતો. આ શ્રેણીમાં કે.એલ.રાહુલ ખરાબ ફોર્મથી ઝઝૂમી રહ્યો છે. તેથી પાંચમી T20 મેચમાં ઓપનિંગ માટે વિરાટ-રોહિતની જોડી મેદાનમાં ઉતરી હતી અને રાહુલને આરામ અપાયો હતો. આ મેચમાં ઓપનિંગ કરતા સમયે કોહલીના સારા પ્રદર્શનને જોતા હવે ઈન્ડિયાની વન-ડે ટીમમાં કોણ ઓપનિંગ કરશે તે સવાલ દરેકના મનમાં ઘર કરી ગયો છે.

2013થી ધવન-રોહિત ઓપનિંગ કરી રહ્યા છે
પ્રથમ મેચની પૂર્વસંધ્યાએ વિરાટ કોહલીએ એક પ્રેસ કોંન્ફરન્સમાં ભાગ લીધો હતો. કોહલીએ કહ્યું હતું કે, વન-ડેની ઓપનિંગ જોડીમાં કોઈપણ પ્રકારનો બદલાવ કરાશે નહીં. ભારત તરફથી શિખર ધવન અને રોહિત શર્મા ઓપનિંગ માટે ક્રિઝ પર ઉતરશે. કોહલીએ જણાવ્યું હતું કે વન-ડેમાં ઓપનિંગ જોડીના પ્રદર્શન પર કોઈને પણ શંકા હોય તેવું લાગતું નથી. રોહિત શર્મા અને શિખર ધવન 2013ની ચેમ્પિયન્સ ટ્રોફીથી એકસાથે ઓપનિંગ કરી રહ્યા છે. પરંતુ ઇંગ્લેન્ડ વિરુદ્ધ પહેલી T20 મેચ પછી તેનું પ્લેઈંગ 11માં સિલેકશન થયું ન હતું. જેના કારણે તેની પોઝિશન પર શંકા જતાવવામાં આવતી હતી.

રાહુલ 5માં નંબર પર બેટિંગ કરશે
ધવનને T20 ઇન્ટરનેશનલ શ્રેણીમાં ઓપનિંગના એક વિકલ્પ તરીકે પંસદ કર્યો હતો. તેમ છતાં પ્રથમ T20 મેચમાં ઓપનિંગ કરવા માટે ધવનને તક અપાઈ હતી, પરંતુ ખરાબ ફોર્મના કારણે ત્યારપછી ધવનની અન્ય 4 મેચોમાં પસંદગી કરાઈ નહોતી. હવે જ્યારે વન-ડે શ્રેણીની વાત કરીએ તો ધવને પોતાનું સ્થાન નિશ્ચિત કરી દીધું છે. જેથી રાહુલના બેટિંગ ઓર્ડરમાં ફેરફાર થઈ શકે છે અને તે 5માં ક્રમાંક પર બેટિંગ કરવા ઉતરે તેવી ચર્ચાઓ જામી રહી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x