પાણી મુદ્દે દહેગામના કડજોદરામાં 61 ગામના 200થી વધુ ખેડૂતોની બેઠક મળી
દહેગામઃ
દહેગામ તાલુકામાંતી પસાર થતાં ખાત્રીબાનો વહેડો 61 ગામો માટે જીવાદોરી સમાન સાબિત થાય તેવો છે. આ વહેડામાં પાણી નાખવા અંગેની માંગ આઠેકવર્ષ પહેલાંથી ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે આગામી સમયમાં સિંચાઈના પાણીનો પ્રશ્ન વિકટ ન બને તે માટે 61 ગામના ખેડૂતોની એક બેઠક દહેગામના કડજોદરા ખાતે મળી હતી. જેમાં આગામી સમયે સિંચાઈના પાણી માટે લડત ચલાવવા માટેના મંડાણ થયા હતા.
ખાત્રીબાના વહેડા (કાંસ)માં નર્મદા મુખ્ય કેનાલમાંથી પાણી છોડાય તેવી માંગને અસરકારક બનાવવા માટે રવિવારે કડજોદરામાં 61 ગામન 200થી વધુ ખેડૂતો, અગ્રણીઓ, સરપંચોની એક બેઠક મળી હતી. જેમાં ધારાસભ્ય કામિનીબા રાઠોડે પણ ખાસ હાજરી આપીને ખેડૂતોના પ્રશ્નોને સાંભળ્યા હતા.
દહેગામ તાલુકા હિત રક્ષક સમિતિના પ્રમુખ બાબુસિંહ ઠાકોરની અધ્યક્ષતામાં મળેલી મિટિંગમાં ખેડૂતોની એક સમિતિ બનાવી આગામી ગુરૂવારના રોજ સિંચાઈ મંત્રી નાનુભાઈ વાનાણીને રજૂઆત કરવાનું નક્કી કરાયું છે. ત્યારે તો સિંચાઈ મંત્રી દ્વારા પાણી છોડવાની ખાત્રી ન અપાય તો ધરણાં, રેલી, દેખાવ, ભૂખ હડતાળ જેવા વિવિધ કાર્યક્રમો કરીને પણ પાણી મેળવવા માટે ખેડૂતો તૈયાર હોવાનું બાબુસિંહે કહ્યું હતું.