સુરત શહેરમાં 4 થી વધુ લોકો ભેગા નહી થઈ શકે : કોરોના બેકાબુ થતાં પોલીસ કમિશ્નરનો નિર્ણય
સુરત :
ગુજરાતની સાથે જ સમગ્ર દક્ષિણ ગુજરાત કોરોનાનાં ભરડામાં આવી ગયુ છે. શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ ચેપી રોગ કોરોનાએ પગ પેસારો કર્યો છે. ગઇ કાલે રવિવારે સુરતના 775 સાથે દક્ષિણ ગુજરાતમાં નવા 832 કેસ દેખાયા હતા. જેમાં સુરત શહેરના 611, સુરત જિલ્લાના 164, નવસારી-વલસાડના 13-13, તાપીના 4, દાનહના 19 અને દમણના 8 કેસનો સમાવેશ થાય છે. સાથે જ સુરતમાં ડિંડોલીના કોરોનાગ્રસ્ત બે દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક 1165 ઉપર પહોંચ્યો હતો. જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે, તેની સામે આરોગ્ય તંત્ર લાચાર સાબિત થઈ રહ્યું છે. એવામાં સુરત શહેર પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું છે.
સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમરે કોરોનાનાં વધતા કેસને લઇ એક જાહેરનામું બહાર પાડ્યુ છે, આ જાહેરનામા અનુસાર સુરતમાં ચારથી વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. કોરોનાના સંક્રમણ વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ કમિશનર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય 30 માર્ચથી 13 એપ્રિલ સુધી લાગુ રહેશે.
જણાવી દઇ કે, કોરોના વધતા પ્રકોપ વચ્ચે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વધુ ને વધુ ટેસ્ટિંગને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે. સાથે જ ઠેરઠેર કોરોનાના કેસ મળી રહ્યા હોવાથી પ્રજાને કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા પાલિકા દ્વારા અપીલ કરાઈ છે.