ગુજરાત

પડોશી રાજ્યો કરતાં ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તાં, GST હેઠળ નહીં મુકાય : નીતિન પટેલ

વિધાનસભામાં નાણાં વિભાગના બજેટની ચર્ચા દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, રાજસ્થાન-મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાં પેટ્રોલનો ભાવ 9 રૂપિયા જેટલો ઓછો છે. કોઇએ નિર્ણય નહોતો લીધો ત્યારે ગુજરાત સરકારે વેટમાં ઘટાડો કર્યો હતો. છતાં પેટ્રોલ- ડીઝલના ભાવ ઘટાડા માટે કેન્દ્ર સરકાર જે નિર્ણય કરશે તેનું અમે પાલન કરીશું.

પટેલે કહ્યું કે કોંગ્રેસ પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનું કારણ દર્શાવીને જીએસટી હેઠળ લેવાની માગણી કરી રહી છે. પરંતુ હાલ પેટ્રોલ-ડીઝલ અને ગેસમાં વેટ વસૂલાતો હોવાથી તેની 100 ટકા રકમ રાજ્ય સરકારને મળે છે. જીએસટી હેઠળ લવાય તો 50 ટકા રકમ કેન્દ્ર સરકારને મળે તેમ છે. જેના કારણે રાજ્ય સરકારને હજાર કરોડ રૂપિયાનું નુકસાન જાય જેથી નાણામંત્રી તરીકે આ બાબતે હું સંમત નથી.

વિધાનસભામાં નાણાં વિભાગના બજેટની સાથે રાજ્યનું 2.27 લાખ કરોડનુ બજેટ બહુમતીથી પસાર થયું હતું. નીતિન પટેલે કહ્યું કે વર્ષ 2021-22 માટે 588 કરોડની પૂરાંત અને 1209 કરોડની મહેસૂલી પૂરાંત અંદાજાઇ છે. વર્ષ 2020-21માં કોરોનાને કારણે 21,952 કરોડની મહેસૂલી ખાધ રહી છે. વર્ષ 2021-22 દરમિયાન વિકાસલક્ષી દર 1.32 લાખ કરોડ જેટલો ઉંચો જશે જે બિનવિકાસલક્ષી ખર્ચ કરતા 41,444 કરોડ જેટલો વધારે છે.રાજ્ય સરકાર દર મહિને 4.70 લાખ પેન્શનરોને 1100 કરોડ રૂપિયા પેન્શન આપે છે.

વર્લ્ડ બેંક મુખ્યમંત્રી કે નાણામંત્રીનું મોઢું જોઇને લોન આપતી ન હોવાની ટકોર
લોન અને દેવા અંગે કોંગ્રેસના આક્ષેપોનો જવાબ આપતા નીતિન પટેલે કહ્યું કે વર્લ્ડ બેંક કે અન્ય આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ વિજયભાઇ કે નીતિનભાઇનું મોં જોઇને ફંડ નથી આપતી. ગુજરાતના પ્રોજેક્ટ અને નાણાકીય શિસ્તને કારણે આપણને હજારો કરોડની લોન આપે છે. આ ગુજરાત સરકારની શાખ છે. આગામી વર્ષ માટે અમે શિક્ષણ વિભાગમાં વધુ સુવિધા ઉભી કરવા માટે ફંડ લેવાની દરખાસ્ત કરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x