ગાંધીનગરના બે યુવાનોએ બાંગ્લાદેશમાં નરેન્દ્ર મોદી માટે ગુજરાતી ડીશ બનાવી
ગાંધીનગર:
તાજેતરમાં બાંગ્લાદેશના ૫૦ વર્ષની ઉજવણી પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અતિથિ વિશેષ તરીકે ગયા હતા ત્યારે નરેન્દ્ર મોદીના આતિથ્ય માટે બાંગલાદેશ સરકાર દ્વારા પુર્વ આયોજન કર્યું હતું. નરેન્દ્ર મોદીને ભાવતું ગુજરાતી ભોજન મળી રહે તે માટે ગુજરાતના ગાંધીનગરના સેફને બાંગલાદેશ તેડાવ્યા હતા.
ગાંધીનગરના સેક્ટર-૬માં રહેતા તનમન કેટરર્સના હાર્દિક સુખડિયા અને વિભાસ સુખડિયાને નરેન્દ્ર મોદી આવવાના હતા તેના ત્રણ દિવસ પેહેલા તા.૨૨મી માર્ચે બોલાવવામાં આવ્યા હતા ત્યાંની ફાઇવસ્ટાર હોટલમાં શુધ્ધ શાકાહારી અને ગુજરાતી ભોજન તેમણે બનાવ્યું હતું. નરેન્દ્ર મોદી ત્યાં બે દિવસ રોકાવાના હતા જેને અનુસંધાને મેનુ તેમણે બનાવીને તે પ્રમાણેની વાનગીઓ તૈયાર કરી હતી. ગાંધીનગરના આ બે યુવાનોએ બનાવેલી ગુજરાતી માસાલાથી ભરપુર ચા નરેન્દ્ર મોદીને બહુ ભાવી હતી. તેમના પ્રવાસ અંગે વાત કરતા હાર્દિક સુખડિયાએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી માટે સુચના પ્રમાણે સાદુ અને સાત્વિક ભોજન તેમણે બનાવ્યું હતું. તેમાંથી દેશી ચણા-બટેટાનું શાક તથા ખાંડવી તેમને ભાવી હતી તો રાત્રી ભોજનમાં કઢી-ખીચડી જેવો હળવું ભોજન બનાવવામામં આવ્યું હતું. છેલ્લે જ્યારે નરેન્દ્ર મોદી જતા હતા ત્યારે આ બે ગાંધીનગરના ભાઇઓ સાથે વાત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે, જમવાનું ખુબ જ સ્વાદિષ્ટ છે..તમે પણ ગુજરાતી છો તે જાણીને ગર્વ થાય, ચલો ફોટો પડાવીએ.