લોકડાઉન 2.0ના દરવાજે ઊભેલા મહારાષ્ટ્રમાં 47,827 નવા દર્દી નોધાયા
મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસના વધતા કેસ દરરોજ નવો રેકોર્ડ બનાવી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં અત્યારસુધી સૌથી વધુ 47,827 પોઝિટિવ મળી આવ્યા હતા. ભારતને બાદ કરીએ તો તેથી વધારે જ કેસ માત્ર અમેરિકા (69,986) અને બ્રાઝિલ (69,662)માં જ આવ્યા છે. રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા 55,379 પહોંચી છે. કુલ મોતના મામલે મહારાષ્ટ્ર દુનિયામાં 14મા સ્થાને પહોંચી ગયું છે.
આ દરમિયાન શુક્રવારે રાત્રે રાજ્યની જનતાને સંબોધન કરતાં CM ઠાકરેએ કહ્યું હતું કે મહારાષ્ટ્ર લોકડાઉનના દરવાજા પર ઊભું છે અને 1-2 દિવસમાં મોટો નિર્ણય લેવાની શક્યતા છે.
કુલ દર્દીઓના મામલે મહારાષ્ટ્ર દુનિયામાં 10મા નંબર પર
રાજ્યમાં સંક્રમિત થયેલા દર્દીઓની કુલ સંખ્યા 29 લાખ 4 હજાર 76 થઈ ગઈ છે. આ સાથે જ મહારાષ્ટ્ર દુનિયામાં કુલ કોરોનાના કેસના મામલે 10મા નંબર પર પહોંચી ગયું છે. મહારાષ્ટ્રથી આગળ અમેરિકા, બ્રાઝિલ, ફ્રાન્સ, રશિયા અને બ્રિટન છે.
પુણેમાં આજથી મિની લોકડાઉન
કોરોનાનાં વધતાં જોખમને ધ્યાનમાં લેતાં પુણેમાં આજથી એક સપ્તાહનું મિની લોકડાઉન લગાવવામાં આવ્યું છે. એ સાંજે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. શોપિંગ મોલ, સિનેમા હૉલ, રેસ્ટોરાં, ખાણી-પીણીની દુકાનો વગેરે બંધ રહેશે. માત્ર હોમ ડિલિવરીની જ મંજૂરી આપવામાં આવી છે. સ્કૂલ-કોલેજને 30 એપ્રિલ સુધી બંધ કરી દેવામાં આવી છે.
શુક્રવારે સવારે નાયબ મુખ્યમંત્રી અજિત પવારની અધ્યક્ષતામાં તંત્ર, પોલીસ, આરોગ્ય અને અન્ય વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અંતિમસંસ્કારમાં વધુમાં વધુ 20 લોકો અને લગ્નમાં ફક્ત 50 લોકોને હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી છે.
લોકડાઉન લગાવવા બાબતે ઉદ્ધવે જણાવી આ 10 મહત્ત્વની વાતો
1. મહારાષ્ટ્રમાં લોકડાઉન લાગુ કરવામાં આવશે કે નહીં, આ બાબતે હજી હું કંઇ કહીશ નહીં. જોકે જે પરિસ્થિતિ હાલના સમયે છે, જો આ જ સ્થિતિ આગળ પણ ચાલુ રહેશે તો એને સંભાળવી મુશ્કેલ થશે.
2. અમે આજે લોકડાઉન નથી લગાવી રહ્યા, પરંતુ કોવિદ-19ના કેસને અટકાવવા માટે 1-2 દિવસ માટે કડક પ્રતિબંધો લગાવવામાં આવશે. એ અંગે અમે વિશેષજ્ઞો સાથે વાત કરી રહ્યા છીએ. જો આ જ પ્રમાણેની સ્થિતિ રહેશે તો હું લોકડાઉન લગાવવાની આશંકાનો ઇનકાર નથી કરી શકતો.
3. અમે RT-PCR ટેસ્ટ વધુમાં વધુ કરવા માગીએ છીએ. ગુણવત્તા અને પારદર્શિતા સાથે સમજૂતી નથી કરવા માગતા. અમે કોઈ દર્દીનો આંક છુપાવ્યો નથી.
4. લોકો કહે છે કે વેક્સિનેશનની ગતિ વધારો. દેશમાં મહારાષ્ટ્ર એકમાત્ર એવું રાજ્ય છે કે જેણે એક દિવસમાં 3 લાખ સુધીનો વેક્સિનેશનનો રેકોર્ડ બનાવ્યો છે. અત્યારસુધીમાં કોવિડ-19 વેક્સિનના 65 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. ગુરુવારે ત્રણ લાખ ડોઝ આપવામાં આવ્યા હતા. કેટલાક લોકો વેક્સિનેશન બાદ પણ સંક્રમણ લાગી રહ્યું છે, કારણ કે તેઓ માસ્ક પહેરતા નથી.
5. મહારાષ્ટ્રમાં કોરોના મહામારીની સ્થિતિ ભયજનક છે, પરંતુ તમને સત્ય જણાવીશું. મહારાષ્ટ્રમાં લગ્નોમાં વધુ ભીડ જોવા મળી રહી છે. એવામાં મહામારી એક રીતે આપની પરીક્ષા લઈ રહી છે. દરેકે માસ્ક પહેરવું અને કોવિડ દિશાનિર્દેશોનું પાલન કરવું જોઈએ
6. આપણે બધાએ કોરોના મહામારી સામે એક થઈને લડવાનું છે. લોકડાઉન લાદવાથી રાજ્યની આર્થિક સ્થિતિ કથળી જશે. આવી સ્થિતિમાં મહામારી સામે કોરોના ગાઈડલાઇન્સનું કડક પાલન કરવું એ સૌથી મોટું હથિયાર છે.
7. હું જાણું છું કે લોકડાઉન એ ખૂબ ઘાતક પગલું છે. અર્થવ્યવસ્થા ચલાવવી હશે તો લોકડાઉનનો અમલ કરવો મુશ્કેલ છે, પરંતુ ગુમાવેલો રોજગાર પાછો આવશે, જીવન પાછું નહીં આવે. લોકડાઉન આપણે ટાળી શકીએ છીએ, પરંતુ લોકડાઉનને બદલે શું ઉપાય છે? મને સૂચન મોકલો.
8. લોકો કહે છે કે આરોગ્ય સુવિધાઓ વધારો, અમે તૈયાર છીએ, આપણે સુવિધાઓ પણ વધારીએ છીએ, પરંતુ બેડનો અભાવ છે, ઓક્સિજનનો અભાવ છે, વેન્ટિલેટરનો અભાવ છે. આ બધી ખામીઓને દૂર કરી શકાય છે, પરંતુ ડોકટરોની કમી કેવી રીતે ભરવી? આ એક મોટો પડકાર છે.
9. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વેક્સિન લેવી એ કોરોના ન થવાની ગેરંટી નથી, તેથી કોરોનાના નિયમોનું પાલન કરવું જરૂરી છે. પહેલાં અમે 75 હજારનું ટેસ્ટિંગ કરી રહ્યા હતા, હવે 1 લાખ 82 હજાર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તેને અઢી લાખ સુધી લઇ જવાના છીએ. એમાં પણ વધુ RT-PCR ટેસ્ટ કરાશે. રાજ્યમાં 70% RT-PCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
10. સપ્ટેમ્બરમાં દરરોજ 24 હજાર નવા કેસ સામે આવી રહ્યા હતા. હવે 43 હજાર સુધી નવા કેસ સામે આવી રહ્યા છે. મુંબઈમાં દરરોજ 8,500 જેટલા નવા કેસ આવી રહ્યા છે. જનતાના જીવ બચાવવાની જવાબદારી અમારી છે. અમે આ જવાબદારી સમજીએ છીએ.
મહારાષ્ટ્રમાં ફરીથી બંધ થઈ શકે છે મોલ અને મંદિર
મુંબઈના મેયર કિશોરી પેડનેકરે સંકેત આપ્યા છે કે શહેરમાં મંદિરો અને મોલ ફરીથી બંધ થઈ શકે છે. કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્યમાં સરકાર કેટલાંક નવાં અને આકરાં પગલાં લઈ શકે છે.
મહારાષ્ટ્ર પાસે માત્ર 8 દિવસનો રક્તનો સ્ટોક બચ્યો
મહારાષ્ટ્રમાં બ્લડ બેંકમાં હવે ફક્ત 8 દિવસનો જ સ્ટોક બાકી છે. આ ભયાનક ઘટસ્ફોટ રાજ્યકક્ષાના મંત્રી જિતેન્દ્ર આવ્હાડે કર્યો છે. તેમણે યુવાનોને રક્તદાન કરવા અપીલ કરી છે.
મહારાષ્ટ્રનાં મુખ્ય શહેરોમાં કોરોના
મુંબઈ: અહીં શુક્રવારે કોરોનાના 8,832 કેસ નોંધાયા હતા. મહામારીની શરૂઆત થયા પછી એક દિવસમાં આ સૌથી વધુ કેસ આવ્યા છે. આ સમયગાળા દરમિયાન 20 દર્દી મૃત્યુ પામ્યા છે, જે 2 ડિસેમ્બર 2020 પછી સૌથી મોટી સંખ્યા છે. મુંબઈમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4 લાખ 32 હજાર 192 થઈ ગઈ છે, જ્યારે અત્યારસુધીમાં 11,724 લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 5,352 દર્દી સાજા થયા છે તેમજ અત્યારસુધીમાં 3 લાખ 61 હજાર 043 લોકોએ કોરોનાને હરાવ્યો છે.
નાગપુર : જિલ્લામાં શુક્રવારે કોરોનાના 4,108 નવા કેસ સામે આવ્યા છે, એ બાદ કુલ કેસની સંખ્યા વધીને 2 લાખ 33 હજાર 776 થઈ છે. 60 લોકોનાં મૃત્યુ બાદ આ સંખ્યા વધીને 5,218 થઈ ગઈ છે. એમાંથી નાગપુર શહેરમાં જ 3,310 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન 3,214 દર્દી સાજા થયા છે. જિલ્લામાં સાજા થનારા દર્દીની કુલ સંખ્યા 1 લાખ 87 હજાર 751 પર પહોંચી ગઈ છે, જ્યારે 40,807 દર્દીની સારવાર ચાલી રહી છે.
પુણે : છેલ્લા 24 કલાકમાં પુણેમાં 9,086 નવા કેસ મળ્યા, 3,337 દર્દી સાજા થયા. 58 લોકોનાં મૃત્યુ થયા છે. નવા કેસનો આ આંક સૌથી મોટો આંક છે. અહીં અત્યારસુધીમાં 5 લાખ 51 હજારથી વધુ લોકો કોરોના પોઝિટિવ થઈ ચૂક્યા છે. 10,097 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
31થી 40 વર્ષની વચ્ચેના લોકોને વધુ સંક્રમણ લાગ્યું
મહારાષ્ટ્રમાં 31થી 40 વર્ષની વયના સૌથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું છે. ડોકટર તેની પાછળનું કારણ આ વયના લોકોને સૌથી વધુ ઘરની બહાર નીકળવાનું માની રહ્યા છે, જ્યારે સૌથી ઓછા માત્ર 147 સંક્રમિત 101-110 વર્ષની વચ્ચેના લોકો છે.
ક્રમ | ઉંમર | કુલ દર્દી | કેસ ટકાવારીમાં |
1 | 10 વર્ષ સુધી | 88,887 | 3.14 |
2 | 11-20 | 1,87,287 | 6.63 |
3 | 21-30 | 4,70,871 | 16.66 |
4 | 31-40 | 6,02,279 | 21.31 |
5 | 41-50 | 5,10,513 | 18.06 |
6 | 51-60 | 4,55,035 | 16.10 |
7 | 61-70 | 3,11,780 |
11.03 |
8 | 71-80 | 1,50,972 | 5.34 |
9 | 81-90 | 4,3,092 | 1.52 |
10 | 91-100 | 5,472 | 0.19 |
11 | 101-110 | 147 | 0.01 |
કુલ દર્દી | 28,26,275 | 100.00 |