શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ પરંતુ શિક્ષકો માટે સમય સવારનો રહેશે
રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓનો સમય સવારનો કરવાની શિક્ષકોમાં માંગ ઉઠી હતી. જેથી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તારીખ 5મી, સોમવારથી શાળાઓનો સમય સવારનો કરવાનો આદેશ કર્યો છે. જોકે ધોરણ 1થી 9ની શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ હોવાથી માત્ર શિક્ષકો માટે જ સમય સવારનો રહેશે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે 1લી એપ્રિલથી 30 જૂન સુધી રાજ્યભરની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓનો સમય સવારનો અને 1લી જુલાઇથી શાળાનો સમય આખા દિવસનો નિયમ બનાવ્યો છે. પરંતુ કોરોનાને કારણે શિક્ષણ જગતના ઇતિહાસમાં પ્રથમ 1લી, એપ્રિલ-2021થી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓનો સમય સવારનો નહી કરાતા શિક્ષકોમાં રોષ ઉઠ્યો હતો. આથી શાળાઓનો સમય સવારનો કરવાની માંગ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી હતી. જોકે રાજ્યમાં કોરોનાના વધતા કેસને પગલે ધોરણ-1થી 9ની શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય સરકારે લીધો છે. ત્યારે શાળાઓનો સમય સવારનો કરવાથી ધોરણ 10થી 12ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે લાગુ પડશે.તેમ જણાવવામા આવ્યુ છે.
અલગ અલગ શિક્ષક સંઘોની રજૂઆતના આધારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ વિનિયમ-1974માં નિયત કરેલા શૈક્ષણિક કાર્યભાર માટેના કલાકો જળવાય તે મુજબ રાજ્યભરની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓનો સમય તારીખ 5મી, એપ્રિલ, સોમવારથી સવારનો રાખવાનો આદેશ કરવા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આદેશ સંયુક્ત શિક્ષણ નિયામક એચ.એન.ચાવડાએ આદેશ કર્યો છે. જ્યારે પ્રાથમિક શિક્ષણ નિયામકે આદેશ કર્યો છે કે આરટીઇ એક્ટ-2009ની જોગવાઇને ધ્યાને રાખીને શાળામાં શૈક્ષણિક કલાકો જળવાય તે મુજબ પ્રાથમિક શાળાઓનો સમય 5 એપ્રિલ સોમવારથી સવારનો કરવા તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, શાસનાધિકારીઓને આદેશ કર્યો છે.