ગાંધીનગરમાં કૌશિક પટેલ અને પ્રદિપસિંહ જાડેજાના સ્ટાફમાં કોરોના, બે કમાંડો સહિત કુલ 12 લોકો પોઝિટીવ
ગાંધીનગરમાં તાજેતરમાં વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન મહેસુલ મંત્રી કૌશિક પટેલની તબિયત લથડી હતી. ત્યારે આજે તેમની ચેમ્બરમાં કોરોનાએ તરખાટ મચાવ્યો છે. કૌશિક પટેલના PS પી.એસ.હારેજા, APS એચ.પી.પટેલ, પી.એ.પટેલ અને નાયબ કલેક્ટર વિમલ પટેલ સહિત કોમ્પ્યુટર ઓપરેટર ધીરુભા ઝાલા અને એક સેવક છગનભાઈ કોરોના પોઝિટીવ આવ્યાં છે.તે ઉપરાંત ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની ઓફિસમાં પણ ચાર કર્મચારીઓ અને બે કમાંડો સંક્રમિત થયાં છે. અત્યાર સુધીમાં પાંચ મંત્રીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે. સચિવાલય અને વિધાનસભામા કુલ મળીને અત્યારસુધીમા એક મંત્રી સહિત કુલ 180માંથી 12 ધારાસભ્યો માત્ર 30 દિવસમાં જ પોઝિટિવ આવ્યા છે.
ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા કોરોના સંક્રમિત
તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાનું સત્ર પૂર્ણ થયું છે ત્યારે 9 ધારાસભ્યોને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. તો સત્ર પૂર્ણ થયા બાદ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને પણ કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. તેમણે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતે કોરોના પોઝિટિવ આવ્યા હોવાની જાણકારી આપી હતી. કોરોના પોઝિટિવ આવતા ગૃહરાજ્યમંત્રી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા છે. જાડેજાએ સોશિયલ સાઈટ ટ્વિટર પર ટ્વિટ કરીને પોતે કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી. સાથે જ તેમણે અપીલ કરી હતી કે, મને કોરોનાનાં સામાન્ય લક્ષણો જણાતા ટેસ્ટ કરાવેલો જેનો રિપોર્ટ પોઝિટિવ આવેલો છે. ડોક્ટરોની સલાહ પર હું હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યો છું.
ધારાસભ્યને વિધાનસભા સત્ર દરમિયાન જ કોરોના સંક્રમણ
ગુજરાત વિધાનસભાનું સત્રમાં ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા હતા. 23 માર્ચે 5 ધારાસભ્ય સંક્રમિત થતાં વિધાનસભા ગૃહને અલ્ટ્રાવાયોલેટ કિરણો ધરાવતી યુવી લાઈટથી સેનિટાઈઝ કરાયું હતું. આ પ્રકારના સેનિટેશન ગુજરાતમાં પ્રથમ વખત ઉપયોગ થયો હતો. યુવી લાઈટથી કોઈપણ પ્રકારના વાયરસનો ખાત્મો થાય છે અને લાંબો સમય તેની અસર રહે છે. જ્યારે માસ્ક ન પહેરવા બદલ રૂ. 500ના દંડની રકમ વધારીને કરાઈ રૂ.1000 કરવામાં આવી હતી.
ચાલુ સત્રમાં સંક્રમિત થયેલા સભ્યો
1. ઇશ્વરસિહ પટેલ, (મંત્રી)
2. બાબુભાઈ પટેલ
3. શૈલેશ મહેતા
4. મોહનસિંહ ઢોડિયા
5. પુંજાભાઈ વંશ
6. નૌશાદ સોલંકી
7. ભીખાભાઈ બારૈયા
8. વિજય પટેલ
9. ભરતજી ઠાકોર