વડાપ્રધાન મોદીએ લીધો વેક્સિનનો બીજો ડોઝ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. ગુરુવારે સવારે, તેમણે એમ્સ નવી દિલ્હીમાં કોવેક્સિનનો બીજો ડોઝ મુકાવ્યો હતો. પહેલો ડોઝ તેમણે 1 માર્ચે લીધો હતો. સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતા તેમણે અન્ય લોકોને પણ વેક્સિન લેવાની અપીલ કરી હતી. તેમણે લખ્યું, ‘વેક્સિનેશન એ કેટલીક રીતોમાંની એક છે જેના દ્વારા કોરોનાને પરાજિત કરી શકાય છે. તેથી જો તમારે વેક્સિન લેવા લાયક છો, તો તરત જ વેક્સિન મુકાવો.’વડાપ્રધાન મોદીએ પ્રથમ ડોઝ લગાવ્યાના 37 દિવસ બાદ આજે કોરોનાની વેક્સિનનો બીજો ડોઝ લીધો છે.
વેક્સિન લગાવનાર સિસ્ટર્સે કહ્યું- તે યાદગાર ક્ષણ હતી
મોદીને વેક્સિનનો બીજો ડોઝ પંજાબની સિસ્ટર નેહા શર્મા અને પુડુચેરીથી સિસ્ટર પી નિવેદિતાએ લગાવ્યો હતો. નેહાએ કહ્યું- વડાપ્રધાને અમારી સાથે વાત કરી. તે મારા માટે યાદગાર ક્ષણ હતી. મને તેમની સાથે વાત કરવાની અને વેક્સિન આપવાની તક મળી.
નિવેદિતાએ કહ્યું- મેં વડાપ્રધાનને કોવેક્સિનનો પ્રથમ ડોઝ લગાવ્યો હતો. આજે મને ફરીથી તેમને મળવાનો અને વેક્સિન લગાવવાનો મોકો મળ્યો. હું ફરીથી ખૂબ જ ખુશ છું. તેઓએ અમારી સાથે વાત કરી અને તેમની સાથે ફોટો પણ પડાવ્યો.
દેશમાં કોરોનાની પરિસ્થિતિની સમિક્ષા કરશે વડાપ્રધાન
દેશમાં વધતા જતા કોરોના મામલા વચ્ચે વડાપ્રધાન મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ રાજ્યોના મુખ્યપ્રધાન સાથે બેઠક કરશે. વડાપ્રધાન આ બેઠકમાં દેશભરની કોરોનાની પરિસ્થિતિની સમિક્ષા કરશે. આ પહેલાં મંગળવારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધને 11 રાજ્યોના મુખ્યપ્રધાનો અને આરોગ્ય પ્રધાનો સાથે હાલની પરિસ્થિતી અને વેક્સિનેશન મુદ્દે બેઠક કરી હતી.