હાઇકોર્ટના નિર્દેશ પહેલા આરોગ્ય વિભાગના ડોક્ટરોએ રાજ્યમાં લોકડાઉન અમલમાં મુકવા સુચવ્યુ હતુ.
હાઈકોર્ટના નિર્દેશ પહેલા ગત સપ્તાહે વિધાનસભા બજેટ સત્ર પૂર્ણ થયાના પહેલાથી જ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગમાં રોગચાળા વિશેષજ્ઞાો, ડોક્ટરોએ એપ્રિલના બીજા સપ્તાહથી રાજ્યમાં લોકડાઉન અમલમાં મુકવા સુચવ્યુ હતુ. જો કે, તેના બદલે સરકારે જે શહેરો સામાન્યતઃ રાતે ૧૦ વાગ્યા પછી સાવ સુમસામ ભાસતા હોય છે ત્યાં મહાનગરોની જેમ રાત્રિ કરફ્યુ જાહેર કરતા સરકારી અધિકારીઓમાં ભારે નિરાશા સાંપડી છે.
સચિવાલયમાં અનેક સેક્રેટરીઓએ પણ એક સપ્તાહ નહિ તો ગતવર્ષે નવેમ્બરની જેમ શુક્રવારની રાતથી સોમવારની સવાર સુધીના સંળગ કરફ્યુ એટલે કે અંશતઃ લોકડાઉન થકી કોરોનાની આગળ વધી રહેલી ચેઈનને તોડવા વિચાર રજૂ કર્યો હતો.
જો કે, સરકારે હાઈકોર્ટના નિર્દેશ પછી પણ લોકડાઉનને બદલે નાના શહેરોમાં રાત્રિ કરફ્યુ લાદ્યો છે. નાગરીક આરોગ્ય અને વૈશ્વિક રોગચાળાના જાણકાર આરોગ્ય વિભાગના ટોચના અધિકારીએ કહ્યુ કે, વિશ્વના અનેક દેશોમાં સેકન્ડ વેવ વખતે લોકડાઉન અમલમાં મુકાયુ છે.
એટલુ જ નહિ, ઘડાઘડ કેસો વધવાને કારણે વેક્સીનેશન કાર્યક્રમ ઉપર પણ અસર થઈ છે. ગુજરાતમાં બે દિવસમાં જ વેક્સીન લેનારાની સંખ્યામાં ૧.૩૭ લાખ નાગરીકોનો ઘટાડો થયો છે. આ સ્થિતિ જ રસી લીધા પછી પણ ચેપ લાગે છે તેવી માન્યતાને કારણે નાગરીકોમાં માંડમાંડ ઉભો કરેલા વિશ્વાસને તોડી રહી છે.