ગાંધીનગર-અમદાવાદમાં બેફામ ખનીજ ચોરી
ગાંધીનગરઃ
અમદાવાદ-ગાંધીનગરમાં ખનીજ ચોરીની પ્રવૃત્તિ બેફામ બની છે ત્યારે ખાણ અને ખનીજ વિભાગ દ્વારા અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ખનીજ ચોરીના 668 કેસ પકડ્યા છે. આ બદલ 14.80 કરોડ રૂપિયાનો દંડ પણ વસૂલાયો છે. સરકારે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય કરમશી પટેલના પ્રશ્નના જવાબમાં રજૂ કરેલી માહિતી પ્રમાણે અમદાવાદ જિલ્લામાં વર્ષ 2015માં 174 અને વર્ષ 2016માં 494 ખનીજ ચોરીના કેસ નોંધાયા હતા. 2015માં 3.69 કરોડ અને 2016માં 11.10 કરોડનો દંડ વસૂલાયો હતો. ગાંધીનગર જિલ્લામાં આ બે વર્ષમાં 583 કેસ પકડાયા હતા. આ કિસ્સાઓમાં ગુજરાત ખનીજ ધારા હેઠળ 1230 લોક સામે કેસ કરાયા હતા જ્યારે આઇપીસી હેઠળ 21 લોકો સામે કાયદેસર કાર્યવાહી કરાઇ હતી. ગેરકાયદે માઇનિંગની પ્રવૃત્તિ પકડવા સરકારે ફ્લાઇંગ સ્ક્વોડ બનાવી છે પરંતુ અમદાવાદ જિલ્લામાં ફ્લાઇંગ સ્ક્વોડે બે વર્ષમાં માત્ર 6 વખત ચેકિંગ હાથ ધર્યું હતું.