ગુજરાતમાં એક મહિના સુધી શનિ-રવિ પાનના ગલ્લાં બંધ રહેશે
ગાંધીનગર :
ગુજરાતમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે, જેને પગલે ગામડાઓ અને વેપારીઓ સ્વયંભૂ લોકડાઉન તરફ આગળ વધી રહ્યાં છે. આજે ગુજરાત પાન-મસાલા શોપ ઓનર્સ એસોસિયેશનના પ્રમુખ સંજય જોશીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી જણાવ્યું કે આગામી એક મહિના સુધી સમગ્ર ગુજરાતના દરેક પાન-મસાલાના ગલ્લા માલિકો દ્વારા દર શનિ-રવિ સ્વયંભૂ બંધ પાળી લોકોના આરોગ્ય હેતુસર સરકારને સહયોગ આપશે.
રાજકોટ શહેરમાં સતત વધતા કોરોના સંક્રમણને ધ્યાને રાખી શહેરમાં પાન એસોસિયેશન દ્વારા આગામી શનિ અને રવિવાર એમ કુલ બે દિવસ માટે બંધ પાડી સ્વયંભૂ લોકડાઉન કરવા નિર્ણય કર્યો છે. જેમાં એસોસિએશન સાથે જોડાયેલ 1100 દુકાનદારો જોડાઇ બે દિવસ સ્વયંભૂ લોકડાઉનમાં જોડાશે. આ ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સ અને પેલેસ રોડના ખ્યાતનામ જ્વેલર્સ પણ શનિ-રવિ બંધ પાડી સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું છે. જ્યાં ચેમ્બર સાથે 28 થી 30 એસોસિએશન જોડાઈને તમામ વેપાર ઉદ્યોગ બંધ રાખશે.
રાજકોટ પાન એસોસિએશનના પ્રમુખ પિયુષભાઇ સીતાપરાએ દિવ્યભાસ્કરસાથે વાતચીત કરતા જણાવ્યું હતું, રાજકોટમાં સતત વધતા સંક્રમણ ને અટકાવવા માટે પાન એસોસિએશન દ્વારા સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરમાં કુલ 4000 જેટલી પાનની દુકાનો આવેલ છે જે પૈકી 1100 જેટલી દુકાનો એસોસિએશન સાથે જોડાયેલ છે તે તમામ વેપારીઓ શનિ અને રવિવાર બે દિવસ લોકડાઉન પાડશે.