ચૂંટણીવાળાં રાજ્યોમાં ભુલાયું સોશિયલ ડિસ્ટન્સિંગ
દેશ અને દુનિયામાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. જોકે ચૂંટણીવાળાં રાજ્યોમાં કોરોના સાવજ ન હોય એવું લાગી રહ્યું છે. દરેક રાજકીય પક્ષ ચૂંટણીપ્રચારમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોને ઘોળીને પી ગયા છે. કોરોનાના કેસમાં અમેરિકા બાદ ભારત બીજા નંબરે છે. એક બાજુ સામાન્ય લોકોને રેમડેસિવિર અને ટોસિલિઝુમેબ ઈન્જેક્શનની અછત વર્તાઈ રહી છે, જેનો પણ રાજકીય લાભ ખાટવા ગુજરાતમાં ઊંચું સ્થાન ધરાવનારા નેતાઓ કોઈ કસર છોડતા નથી. એક તરફ દર 12 વર્ષે યોજાતા કુંભમેળામાં શાહીસ્નાનની ડૂબકી લગાવી આસ્થાળુઓ આ ભવ સિદ્ધ કરવા માગે છે, તો બીજી બાજુ મહામારીને પગલે મોતને ભેટેલા લોકોને પણ મોક્ષમાર્ગે જવા માટે કતારમાં રાહ જોવી પડી રહી છે. કોરોનાકાળને પગલે દેશની વરવી વાસ્તવિકતાની ઘણી જ બાજુઓ રજૂ થઈ છે, જે ક્યાંક દયા ઊપજાવે છો એ કેટલીક જગ્યાએ ઘૃણા.
દેશભરમાં કોરોનાનો કાળો કેર, તો પશ્ચિમ બંગાળમાં કોરોનાનો ‘ક’ પણ નહીં
કોરોનાની બીજી લહેર સુનામી બનીને દેશભરના લોકોને પોતાના ભરડામાં લઈ રહી છે. મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં તો આંશિક લોકડાઉનની ચર્ચાએ જોર પકડ્યું છે, પરંતુ આ બધાંની વચ્ચે જે રાજ્યોમાં ચૂંટણી છે ત્યાં જાણે કોરોનાની બીજી લહેરે દસ્તક જ ન આપી હોય એવું લાગી રહ્યું છે. સોમવારે PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળમાં રોડ શો આયોજિત કર્યા, આ રોડ શોમાં હૈયેહૈયે દળાય તેટલી સંખ્યામાં જનમેદની ઊમટી પડી હતી. કોરોનાની એન્ટ્રી સમયે સોશિયલ ડિસ્ટન્સિંગની વાતો કરતા નેતાઓ જ ચૂંટણી જીતવા માટે લોકોના જીવ દાવ પર મૂકતા ખચકાતા નથી. એવું નથી સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા કે માસ્ક વિના લોકોના ટોળેટોળાં ફક્ત ભાજપની જ ભીડમાં જ જોવા મળે છે, પરંતુ TMC, લેફ્ટ અને કોંગ્રેસની રેલીઓમાં પણ આવાં જ વરવાં દૃશ્યો જોવા મળે છે, જે ચૂંટણી બાદ કોરોના વિસ્ફોટ માટે જવાબદાર બની શકે છે.
સ્મશાનમાં ઓછી જગ્યા પડતાં રસ્તાઓ બન્યા મોક્ષધામ
ઝારખંડનાં રાંચીમાં કોરોના દરમિયાન થનારાં મોતનો રેકોર્ડ તૂટી ગયો છે. છેલ્લા 10 દિવસમાં રાંચીનાં સ્મશાન અને કબરસ્તાનમાં અચાનક મૃતદેહો આવવાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ ગયો છે. રવિવારે રેકોર્ડ 60 મૃતદેહોના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે, એમાંથી 12 મૃતદેહો કોરોના સંક્રમિતોના હતા, જેમના અંતિમસંસ્કાર ઘાઘરામાં સામૂહિક બનાવીને કરવામાં આવ્યા હતા. એ સિવાયના 35 મૃતદેહો પાંચ સ્મશાનઘાટમાં સળગાવવામાં આવ્યા અને 13 મૃતદેહોને રાતુ રોડ અને કાંટાટોલી કબરસ્તાનમાં દફન કરવામાં આવ્યા. સૌથી વધારે મૃતદેહોના અંતિમસંસ્કાર હરમુ મુક્તિધામમાં કરવામાં આવ્યા છે.
મૃતકોની સંખ્યા એટલી વધારે થઈ ગઈ હતી કે મુક્તિધામમાં ચિતા સળગાવવાની જગ્યા ઓછી પડવા લાગી હતી. લોકોએ કલાકો સુધી રાહ જોવી પડી હતી. એ પછી પણ જગ્યા ના મળી તો લોકો ખુલ્લામાં ચિતા સળગાવવા લાગ્યા હતા. સ્મશાનમાં જગ્યા ના રહેવાને કારણે મુક્તિધામના સામેના રસ્તા પર વાહન પાર્કિંગમાં જ મૃતદેહો રાખીને અંતિમક્રિયા થવા લાગી હતી. સ્થિતિ એવી થઈ ગઈ હતી કે મોડી સાંજ સુધી મુક્તિધામમાં ઘણા લોકો મૃતદેહો લઈને તેમનો વારો ક્યારે આવશે એની રાહ જોતા હતા.
જ્યાં જુઓ ત્યાં મૃતદેહો
કોરોનાની બીજી લહેરે છત્તીસગઢમાં હાહાકાર મચાવ્યો છે. પાટનગર રાયપુરની હાલત તો દિવસે દિવસે વિકટ બની રહી છે. અહીંની આંબેડકર સરકારી હૉસ્પિટલમાં હવે મૃતદેહો રાખવાની જગ્યા પણ જગ્યા બચી નથી. શબગૃહમાં ફ્રીઝર ફુલ થઈ જતાં મૃતદેહ બહાર જ રઝળી રહ્યા છે. કેટલાક મૃતદેહ સ્ટ્રેચર પર તડકામાં શેકાઈ રહ્યા છે તો કેટલાક મૃતદેહ શબગૃહમાં જ નીચે રાખી દેવામાં આવ્યા છે. મૃતદેહને પરિવારને સોંપવાની પ્રક્રિયામાં પણ વિલંબ થઈ રહ્યો હોવાથી અહીં આમ જ મૃતદેહ પડ્યા રહ્યા છે. આંબેડકર હૉસ્પિટલના શબગૃહમાં પડેલા મૃતદેહનાં દૃશ્યો જોઈને ભલભલાનાં હદય હચમચી ઊઠે છે. મહત્ત્વનું છે કે એકલા રાયપુર શહેરમાં જ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2883 કેસ નોંધાયા છે, જ્યારે 37 લોકોનાં મોત થયાં છે. છેલ્લા બે દિવસમાં અહીં 80 જેટલા દર્દીઓનાં મોત થયાં છે.
કોરોનાના હાહાકાર વચ્ચે કુંભમેળામાં 35 લાખ શ્રદ્ધાળુઓનું શાહીસ્નાન
હરિદ્વારના મહાકુંભમાં આજે સોમવારે બીજું પરંપરાગત સ્નાન યોજાયું. આ સ્નાનમાં હજારો અખાડાઓના સાધુ-સંતો આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. આટલી બધી ભીડ હોવાને કારણે કોવિડ પ્રોટોકોલના લીરેલીરા ઉડાવાયા હતા. આ દરમિયાન ઘણા સાધુ-સંતો કોવિડ પોઝિટિવ મળી આવ્યા હતા. તેમ છતાં ઉત્તરાખંડ પોલીસ ગાઈડલાઈન્સનું પાલન કરાવવા માટે અક્ષમ રહી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તંત્રએ ગાઈડલાઈન્સનું પાલન કરવા માટે તમામ વ્યવસ્થા કરી હતી. 50 હજાર લોકોના ટેસ્ટ કરાયા હતા, જેમાંથી ઘણા સાધુઓ પોઝિટિવ મળી આવ્યા હતા. અહીં લોકો પાસે કોવિડની ગાઈડલાઈન્સનું પાલન કરાવવું એક કસોટી રૂપ નીવડી શકે છે.
માસ્ક- સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા
જે પ્રમાણે ભીડ નજરે ચઢી રહી છે, લોકોએ કોરોના મહામારીને ભુલાવીને બેદરકારી દાખવી હતી. મોટા ભાગના લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગર નજરે પડ્યા હતા. સ્થાનિક પોલીસકર્મીના જણાવ્યા પ્રમાણે, પહેલાં અખાડાઓને પરંપરાગત સ્નાન કરવા માટે અનુમતિ આપવામાં આવી હતી. ત્યારે 7 વાગ્યા પછી અન્ય લોકોને સ્નાન કરવા દેવામાં આવ્યું.