વેકસિનના બંન્ને ડોઝ લીધા પછી ફેફસામાં ઇન્ફેક્શન 5 ટકાથી ઓછું થાય છે
કોરોના મહામારી સામે વેક્સિનેશન સૌથી અસરકારક હથિયાર છે છતાં પણ મોટી સંખ્યામાં લોકો રસી લેવાનું ટાળી રહ્યા છે. સૌથી મોટી ગેરમાન્યતા એ છે કે કોરોનાના નવા સ્ટ્રેન સામે રસી બિનઅસરકારક છે અને રસીના બન્ને ડોઝ લીધા હોય તો પણ કોરોના થાય છે. દેશના સિનિયર ડૉક્ટરો અને નિષ્ણાતો કહી ચૂક્યાં છે કે રસીનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી મૃત્યુની સંભાવના નહીવત થઈ જાય છે. દિવ્ય ભાસ્કરે એવા 70 ડૉક્ટરો અને 30 સામાન્ય માણસો સાથે વાત કરી હતી જેઓ રસીના બન્ને ડોઝ લીધા પછી પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. તમામે સ્વીકાર્યું હતું કે રસીના કારણે તેમના પર ગંભીર અસર થઈ નહોતી અને માત્ર બે-ત્રણ દિવસમાં સાજા થઈ ગયા હતા.
ફેફસામાં ઇન્ફેક્શન 5 ટકાથી ઓછું થાય
સુરત શહેરના ચાર જેટલા ડોકટરો વેકસિનના બંન્ને ડોઝ લીધા પછી કોરોનાગ્રસ્ત થયા હતા. પરંતુ તેઓ ઘરે સારવાર લઈને જ સાજા થઈ ગયા. તેમનું કહેવુ છે કે, વેકસિન લીધી હોવાના કારણે ઈન્ફેશનની અસર ગંભીર ન થઈ. જેના કારણે હોસ્પિટલ સુધી જવું પડયું નહીં. રસીની સારી અસર એટલે સુધી છે કે, ફેફસામાં ઈન્ફેકશનનું પ્રમાણ પાંચ ટકાથી પણ ઓછું આવ્યું છે. એક ડોકટરને તો ફેફસામાં ઈન્ફેકશન લાગ્યું જ ન હતું. ડોકટરોનું કહેવું છે કે, જો તમામ લોકો વેકસિન લઈ લે તો શકય છે કે, ચેપ લાગી શકે પણ ઘરેથી જ લોકો સાજાં થઈ શકશે અને મૃત્યુદર પણ ઘટી જશે.
ત્રણેક દિવસમાં જ તબિયત સારી થાય છે
કટોકટી જેવી કોઈ પણ સ્થિતિ નિવારવા માટે વેક્સિન જ એક હથિયાર છે. રાજકોટ સિવિલ હૉસ્પિટલના સિવીલ ડેથ બોડી મેનેજમેન્ટના એસ.આઇ. સાહિલ પઠાણે પોતાનો અનુભવ શૅર કરતા કહ્યું હતું કે, ‘મેં વેક્સિનના બન્ને ડોઝ લીધા હતા. એ પછી ગત 4 એપ્રિલના મારો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શરૂઆતના બેથી ત્રણ દિવસ મને તાવ, ઉધરસ, અને કળતરની સમસ્યા હતી. સાથે ઠંડી પણ લાગતી હતી. જો કે આ સમસ્યા માત્ર ત્રણ દિવસ જ હતી. બાદમાં તબીયત સારી થઇ ગઇ હતી અને કોઇ તકલીફ નથી.
રસીથી ઓક્સિજન લેવલ જળવાઈ રહે છે
ભાવનગર શહેરના પૂર્વ મેયર મેહુલભાઈ વડોદરિયાએ વાતચીત કરતાં જણાવ્યું કે,મને રસી લીધા બાદ પણ કોરોના ભલે થયો,છતાં લોકો રસી લે. રસી લીધા બાદ કોરોના ન થાય તેવું નથી પરંતુ તેની તીવ્રતા નિયંત્રણમાં રહે છે. મેં કોરોનાના બંને ડોઝ લઈ લીધા હતા અને ત્યારબાદ માત્ર 28 દિવસની અંદર બીમારી લાગુ પડી છે. પરંતુ રસી લેવાને કારણે ફાયદો એ થયો છે કે, મારું ઓક્સિજન લેવલ 98 આસપાસ જળવાઈ રહ્યું છે અને શ્વાસ જેવી બીજી કોઇ ગંભીર તકલીફ થઈ નથી.
આ 78 વર્ષના હંસાબેન છે, બે ડોઝ લીધા પછી ચેપ લાગ્યો, ઓક્સિજન પણ લેવો પડ્યો, છતાં સાજા થઇને ઘરે આવ્યા
હંસાબેનની ઉંમર 78 વર્ષની છે. રસીના બન્ને ડોઝ લીધા પછી પણ તેઓ સંક્રમિત થયાં હતાં. મહત્તમ ઓક્સિજન આપवोવો પડ્યો હતો તથા રેમડેસિવિર ઇન્જેક્શન પણ આપવા પડ્યાં હતાં. તેઓ સાજા થઈને ઘરે આવી ગયાં છે. ભાવનગર જિલ્લાના અમરાપરના શિક્ષક મોહનભાઇ ઢીલાએ જણાવ્યું હતું કે ‘મેં વેક્સિન લીધી તેમ છતાં કોરોના થયો હતો પણ રસીનું રક્ષા કવચ મળી જતાં ઝડપભેર સ્વસ્થ થઇ ગયો છું.’ તેમણે લોકોને અફવાઓ સાચી ન માનીને ઝડપથી વેક્સિન લેવાનો ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
69 વર્ષની વય છતાં રસી લીધી હોવાથી હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું નહીં
સુરતના ડૉ.વિનોદ શાહ રસીના બન્ને ડોઝ લીધાના 25 દિવસ પછી એન્ટિબોડી ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો. 1લી એપ્રિલે તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો. જો કે 69 વર્ષની વય હોવા છતાં તેમને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી નહીં. ફેફસામાં ઇન્ફેક્શન પણ 5 ટકાથી ઓછું રહ્યું. તેઓ 3 દિવસમાં સાજા થઈ ગયા.
4 દિવસ તાવ રહ્યો, 5મા દિવસે સાજા થયા
સુરતના ડૉ.નીતિન ગર્ગે બન્ને ડોઝ લીધા હોવા છતાં કોરોના સંક્રમિત થયા હતા. જો કે 4 દિવસ તાવ રહ્યા બાદ 5મા દિવસે તેઓ સાજા થઈ ગયા હતા. ડૉ. હીરલ શાહને પણ બન્ને ડોઝ લીધાના 32 દિવસ પછી કોરોના થયો હતો. તેમને ફેફસાંમાં ઇન્ફેક્શન 15 ટકા જ હતું. વેક્સિનના કારણ તેઓ બચી ગયા અને હોસ્પિટલમાં એડમીટ થવું પડ્યું નહીં.
માત્ર ત્રણ દિવસમાં સામાન્ય દવાથી રાહત મળી
ઉમરેઠના ડૉ.સુનીલ ચાવડાએ એ જણાવ્યું હતું કે રસીના બન્ને ડોઝ લીધા પછી એપ્રિલની શરૂઆતમાં હું સંક્રમિત થયો હતો. પણ કોઈ તકલીફ થઈ નહોતી. રસી લીધી હોવાથી ફક્ત પેરાસીટામોલ અને ટેબિઝૂમ જેવી દવા માત્ર ત્રણ જ દિવસ લીધી હતી. જેનાથી મને કોરોનાથી રાહત મળી હતી.
વેક્સિનથી સંક્રમણના ફેલાવા પર નિયંત્રણ મેળવી શકાય છે
1. રસીથી શરીરમાં નેચરલ ઇમ્યુનિટી (કુદરતી રોગપ્રતિકારકશક્તિ) વિકસે છે.
2. નેચરલ ઇમ્યુનિટીથી ગંભીર બીમારી અને મૃત્યુંની સંભાવના ઓછી રહે છે.
3. એવા પુરાવા મળ્યા છે કે બન્ને ડોઝ લીધા હોય તેમની સંક્રમિત થવાની સંભાવના પણ ઘટે છે.
4. રસી લીધી હોય તેમનાથી બીજાને ચેપ લાગવાની સંભાવના પણ ઘટી જાય છે.