કેન્દ્રની રેલવે ટીમ પાટનગરના જંકશનની મુલાકાતે,ટોયલેટ ચેક કર્યા
ગાંધીનગર: કેન્દ્રમાં ભાજપની નવી સરકાર આવ્યા બાદ રેલ્વેની સુવિધા યુધ્ધનાં ધોરણે સુધરી રહી છે. ટ્રેનમાં મુસાફરી દરમિયાન મુસાફરોને મળતી સુવિધામાં વધારા સાથે સાથે રેલ્વે સ્ટેશનો પર પણ સ્વચ્છતાથી માંડીને પાયાની અન્ય સુવિધાઓ મુસાફરોને સરળતાથી અને ઝડપી મળી રહે તે માટે પ્રયાસો થઇ રહ્યા છે.
મિનીસ્ટ્રી ઓફ રેલ્વેની પેસેન્જર સર્વીસ કમિટી(પીએસસી)નાં સભ્યો ઇન્સ્પેકશન કરવા નિકળી પડ્યા છે. ત્યારે રવિવારે દિલ્હીથી પીએસસીનાં સભ્યો ગાંધીનગર રેલ્વે સ્ટેશન ઇન્સ્પેકશન માટે ઉતરતા રેલ્વે સ્ટાફ ખડેપગે રહ્યો હતો. જેમાં લોકોના આ અંગે અભિપ્રાય લેવામાં આવ્યા હતા. અને તેમને કેવી સુવિધા જોઈઅે છે તે અંગે પણ પુછપરછ કરવામાં આવી હતી. સુરેશ પ્રભુ રેલ્વે મંત્રી બન્યા બાદ રેલ્વે વિભાગમાં થઇ રહેલા નવા સુધારા-વધારાનાં સમાચાર સતત મળતા રહે છે.
મુસાફરોનાં પ્રતિભાવથી માંડી ટોઇલેટ ચેક કર્યા
ગાંધીનગર રેલ્વે સ્ટેશનની મુલાકાતે આવેલા પીએસસી મેમ્બર્સે રેલ્વે સ્ટેશનનું ઇન્સપેકન કર્યુ તેમાં હાજર મુસાફરો સાથે વાતચીત કરીને તેઓને મળતી સુવિધા તથા કોઇ સમસ્યા હોય તો તે અંગે વાતચીત કરી હતી. જો કે ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર મુસાફરોની ખાસ સંખ્યા નહોતી. જે મુસાફરો સાથે વાત કરી તેમણે બધુ યોગ્ય હોવાનું જણાવ્યુ હતુ. જયારે ઇન્સપેકટરોએ પાણીની વ્યવસ્થાથી માંડીને ટોઇલેટની સ્વચ્છતાની તપાસ કરી હતી.