ગુજરાત

રાજ્યમાં 7 દિવસમાં 108 પર રેકોર્ડબ્રેક 1.83 લાખ લોકોએ મદદ માગી, 99 ટકા કોલ્સ માત્ર કોવિડના

ગુજરાતમાં કોરોનાના સસત વધતા જતા કેસો જનતા માટે ભયજનક સાબિત થઈ રહ્યા છે. એક તરફ સંક્રમણનું પ્રમાણ અત્યંત ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે, ત્યારે બીજી તરફ દર્દીઓને સારવાર આપવા માટે ગુજરાતમાં મેડિકલ સારવાર ખૂટી પડી છે. આ પ્રકારની કપરી સ્થિતિ વચ્ચે હાલમાં 108 એમ્બ્યુલન્સની ટીમ ખૂબ જ મહત્ત્વની જવાબદારી નિભાવી રહી છે. છેલ્લા 7 દિવસમાં જ 108 કોલ સેન્ટર પર રેકોર્ડબ્રેક 1.83 લાખ કોલ્સ આવ્યા છે, જેમાંથી 99 ટકા કોલ્સ માત્ર કોવિડને લગતા આવ્યા છે.

ગુજરાતમાં હાલમાં અંદાજે 660 જેટલી 108 એમ્બ્યુલન્સ માત્ર કોવિડ દર્દી માટે કાર્યરત છે, જે સતત 24 કલાક અલગ-અલગ વિસ્તારોમાં દોડાદોડ કરી રહી છે. 108 પર દરરોજ 26 હજારથી વધુ કોલ્સ આવી રહ્યા છે, એટલે કે દર કલાકે 1000થી વધુ લોકો 108 પર કોલ કરી મદદ માગી રહ્યા છે, જેમાં સૌથી વધુ કોલ્સ અમદાવાદમાંથી કરવામાં આવે છે. 108ની ટીમ એકસાથે 100થી 130 જેટલા કોલ્સ અટેન કરે છે.

દિવસે દિવસે કોલ્સની સંખ્યામાં વધારો થતાં સ્ટાફની પણ અછત સર્જાઈ રહી છે, જેને કારણે નવા સ્ટાફની પણ ભરતી કરવામાં આવી છે, જેને કારણે હવે સ્ટાફ રાઉન્ડ ધ ક્લોકમાં કામગીરી કરી રહ્યા છે, જેથી અન્યને આરામ મળી શકે. હાલની સ્થિતિ એવી છે એક મિનિટ પણ કોલ્સ બંધ નથી થતા. બીજી તરફ સિવિલ સહિતની હોસ્પિટલોમાં જગ્યાના અભાવે 108ને કલાકો સુધી લાઈનમાં ઊભી રહેવું પડે છે, જેને કારણે પહેલા કોલ કર્યા ને 5 મિનિટમાં આવતી 108 હવે 2થી 3 કલાકે દર્દીને લેવા માટે આવે છે.

શહેરમાં રોજ 450થી 500 કોરોના દર્દીને 108 હોસ્પિટલ પહોંચાડે છે, સિવિલમાં એમ્બ્યુલન્સની લાંબી લાઇનો લાગે છે, આથી દર્દી હોસ્પિટલમાં દાખલ ન થાય ત્યાં સુધી રાહ જોવી પડતી હોવાથી 108નો રિસ્પોન્સ ટાઇમ 3થી 4 મિનિટથી વધીને બે કલાકની આસપાસનો થયાનું 108નાં સૂત્રો જણાવે છે. અગાઉ 108 દ્વારા હેન્ડલ કરાતાં કુલ ઇમર્જન્સી કેસમાં 20 ટકા કેસ કોવિડના હતા, હાલમાં શહેરમાં કોરોના કેસ વધતાં પ્રમાણ 50 ટકા થયું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x