ગુજરાત

ધો.૩થી૮માં રચનાત્મક-સ્વ મૂલ્યાંકનના આધારે ૧૦૦ ગુણ મુજબ રિઝલ્ટ બનશે

અમદાવાદ

કોરોનાને લીધે આ વર્ષે પણ ધો.૧થી૯ અને ધો.૧૧માં માસ પ્રમોશનમા આપવાની સરકારે જાહેરાત કર્યા બાદ સરકારના વિધિવત ઠરાવ પછી જીસીઈઆરટી દ્વારા સ્કૂલોને પરિણામ તૈયાર કરવા માટેના નિયમો જાહેર કરવામા આવ્યા છે. જે અંતર્ગત ધો.૩થી૮માં રચનાત્મક અને સ્વ મૂલ્યાકનના આધારે ૧૦૦ ગુણ મુજબ વિષયદીઠ પરિણામ તૈયાર કરાશે.

જીસીઈઆરટી દ્વારા તમામ ડીઈઓ-ડીપીઓને  ધો.૧થી૮ના માસ પ્રમોશનમાં  આ વર્ષે થયેલા હોમ લર્નિંગ અને ઓનલાઈન શિક્ષણ કાર્યને ધ્યાને લઈને પરિણામ પત્રકો તૈયાર કરવા સૂચના અપાઈ છે. માસ પ્રમોશનના નિયમો અંતર્ગત ધો.૧ અને ૨માં વિદ્યારથીઓના પરિણામ પત્રક (ડી૨-ડી૪)માં વિદ્યાર્થી નામ સામે વર્ગ બઢતી એમ લખવામા આવશે જ્યારે અન્ય  કોઈ પણ વિગતો દર્શાવવામાં નહી આવે.

 ધો.૩થી૮માં  સત્રવાર રચનાત્મક મૂલ્યાંકન પત્રક એમાં વિગતો દર્શાવવામા આવશે.જેથી દરેક વિદ્યાર્થીનું ૪૦ પ્લસ ૪૦ એમ ૮૦ ગુણનું  મૂલ્યાંકન થશે અને વર્ષ દરમિયાન હોમ લર્નિંગમાં વિદ્યાર્થીની સહભાગિતા એટલે કે વિદ્યાર્થી ઓનલાન શિક્ષણમાં -હોમ લર્નિંગમાં કેટલો જોડાયો તેના આધારે ૨૦ ગુણનું સ્વ મૂલ્યાંકન થશે.આમ દરેક વિદ્યાર્થીનું ૧૦૦ ગુણનું ગુણાંકન થશે.

 ધો.૩થી૮માં પત્રક બી ન ભરવા સૂચના અપાઈ છે અને  પત્રક સીમાં પ્રથમ સત્રમાં રચનાત્મક મૂલ્યાંકન ૪૦ ગુણ અને દ્રિતિય સત્રમાં રચનાત્મક મૂલ્યાંકનના ૪૦ ગુણ તથા વિદ્યાર્થીની સહભાગિતાના ૨૦ ગુણ સ્વ મૂલ્યાંકનના ખાનામાં દર્શાવવાના રહેશે. જ્યારે ધો.૪માં હિન્દી અને અંગ્રેજી વિષયમાં માત્ર દ્રિતિય સત્રમાં રચનાત્મક મૂલ્યાંકનના ૪૦ ગુણ અને વિદ્યાર્થીની સહભાગિતાના ૨૦ ગુણ મળી વિષય દીઠ ૬૦ ગુણમાંથી ગુણાંકન કરવાનું રહેશે. ધો.૩થી૭ના પ્રગતિપત્રકમાં ગ્રેડ દર્શાવાશે અને ધો.૮ના પ્રગતિપત્રકમાં  ગુણ અને ગ્રેડ બંને દર્શાવવાના રહેશે. ધો. ૫ અને ધો.૮ના વિદ્યાર્થીઓને પણ તેઓના પરિણામને ધ્યાને લીધા વગર વર્ગ બઢતી આપવાની રહેશે. જીસીઈઆરટી દ્વારા ધોરણ દીઠ જાહેર કરાયેલ ટોટલ ગુણના માળખા મુજબ ધો.૩માં કુલ ગુણ ૩૦૦, ધો.૪માં ૪૨૦, ધો.૫માં ૫૦૦, અને ધો.૬થી૮માં કુલ ગુણ ૭૦૦ રહેશે.જ્યારે વિદ્યાર્થીઓના સર્વગ્રાહી વિકાસાત્મક સંગૃહિત પ્રગતિ પત્રક ઈમાં આ વર્ષ પુરતુ જે તે ધોરણમાં વિષય શિક્ષકે માત્ર શૈક્ષણિક બાબતો જ દર્શાવવાની રહેશે અને હાજરી અને શારીરિક વિકાસ વગેરે બાબતો દર્શાવવામા નહી આવે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x