પાટનગરમાં આરોગ્ય સુવિધા ખાડે ગઈ અને મહાનગરપાલિકા શહેરમાં બગીચાઓ બનાવવામાં વ્યસ્ત
ગાંધીનગર :
ગાંધીનગરમાં હાલ ચારે તરફ કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. ટેસ્ટિંગ સેન્ટર્સ, હોસ્પિટલો અને સ્મશાન દરેક જગ્યાએ લાઈનો લાગેલી છે. ત્યારે આવી સ્થિતિમાં ગાંધીનગરમાં શહેરમાં બગીચાઓ બનાવવાની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે. હાલના સમયે નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી સુવિધાઓની સૌથી વધુ જરૂરિયાત છે અને કેટલા સમય સુધી આ પરિસ્થિતિ રહેશે તે કહીં શકાય તેમ નથી તેવામાં આવા કોઈપણ ઉપયોગ વગરના બગીચાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ અટકાવવા લોકમાંગ ઉઠી છે.
દવાખાના ખંડર હાલતમાં છે.
નાગરિકોની લાગણી છે કે ગત વર્ષ કરતાં આ વખતે કોરોના ચેપ સૌથી વધુ ઘાતક છે ત્યારે આવા સમયે કોર્પોરેશન વિવિધ સેક્ટરોમાં આવેલા દવાખાનોમાં સુવિધાઓ ઊભી કરવી જોઈએ. સેક્ટર-૩ સી ખાતે વર્ષોથી બિસ્માર પડેલા દવાખાનાને સુધારવાની લોકોની માંગણી ઘણા લાંબા સમયથી છે. તંત્રનો એવો વિચાર હશે કે, બગીચાઓના ટેન્ડર તો અગાઉથી જ પાસ કરી દેવાયા છે.
બગીચાઓ બનાવાથી એજન્સી ધરાવતા લોકો અને તેની સાથે કામ કરતાં શ્રમિકો અને તેમના માટે કામ કરતાં નેતાઓને ફાયદો થશે. પરંતુ કરોડોના ખર્ચે જે નાગરિકો માટે તંત્ર બગીચાઓ બનાવી રહ્યું છે તે નાગરિકોનું શું? બગીચાઓ તો કોરોનાકાળ ખતમ થયા પછી પણ બની શકે છે.