આરોગ્ય

ગુજરાત પણ હવે ઓક્સિજન પર? અન્ય રાજ્યમાંથી જથ્થો મેળવવા દોડધામ, કેન્દ્રને કરી રજુઆત

ગાંધીનગર :
અન્ય રાજ્યની જેમ ગુજરાતમાં પણ હવે ઓક્સિજનની અછત વર્તાવા લાગી છે. આ અછતને પોચી વળવા માટે અન્ય રાજ્યમાંથી ઓક્સિજન મેળવવા સરકારે કવાયત હાથ ધરી છે. આ સંદર્ભમાં કેન્દ્ર સરકારને રાજ્ય સરકારે રજૂઆત કરી છે. સ્થિતિ એ પ્રકારની છે કે બોર્ડર રાજ્યોમાં પણ કોરોનાની કફોડી સ્થિતિથી ઓક્સિજન મેળવવા રાજ્ય સરકારને તકલીફ પડી રહી છે.
દૂરના રાજ્યોમાંથી ઓક્સિજન ઉપલબ્ધ કરાવવા વિચારણા કરવામાં આવી છે. ટ્રેન મારફતે 20 ટન ઓક્સિજન પહોંચાડવાની સંભાવના બતાવવામાં આવી રહી છે. આ માટે ગ્રીન કોરિડોર ઊભો કરી રાજ્યમાં ઓક્સિજન ઉપલબ્ધ કરાવાઈ શકે છે.
જણાવવું રહ્યું કે કોરોના કાળમાં હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને ઓક્સિજન બેડ નથી મળતા, તેવી ફરિયાદો વ્યાપક બની ગઈ છે. દર્દીઓ ઓક્સિજન નહી મળતા ટળવળીને મરી રહ્યાં છે. ત્યારે હવે મોટા અને નાના શહેરોમાં પણ ઓક્સિજનનો જથ્થો ખૂટી રહ્યો છે. પરિસ્થિતિ વિકટ બની રહી છે. 10થી 15 ટકા દર્દીઓ ઓક્સિજનની અછતને કારણે મૃત્યુ પામી રહ્યાં છે.
કોરોના થયા બાદ સૌથી પહેલી જરૂરિયાત ઓક્સિજનની હોય છે. પરંતુ ઓક્સિજનનો જથ્થો હવે ખૂટી પડ્યો છે. ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટી પડતા 5થી વધુ લોકોના મોત નિપજ્યા છે. 1100 મેટ્રિક ટન જેટલા ઓક્સિજનના જથ્થાનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, છતાં દર્દીઓ ઓક્સિજન વગર મરી રહ્યાં છે.
બનાસકાંઠાના ડીસામાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે.. ICUમાં ઓક્સિજનની અછત સર્જાતા સવારથી અત્યાર સુધી 5 લોકોના મોત થયા છે.. કોરોનાથી અને ઓક્સિજનની અછત સર્જાતા ગંભીર પરિસ્થિતિ બની ગઈ છે. ઓક્સિજન ન હોવાને કારણે બનાસકાંઠા માટે અમદાવાદથી જથ્થો સપ્લાય કરવામાં આવી રહ્યો છે, તેવુ વહીવટી તંત્ર દ્વારા કહેવાઈ રહ્યુ છે. બે દિવસથી તબીબો તંત્રને લેખિતમાં સતત જાણ કરતા હતા, અનેકવાર રજૂઆત કરવા છતા ઓક્સિજન અપાયુ નથી, જેથી આજે કેટલાક દર્દીઓ મોતને ભેટ્યા છે.
સ્થિતિ ખાલી એક રાજ્યની નથી દેશમાં આ જ હાલત છે. દેશમાં કોરોના સંકટ છે. ઓક્સિજનની અછત લોકોના જીવ લઇ રહી છે. તેવામાં હવે ઓક્સિજન મુદ્દે ખુદ પીએમ મોદીએ સંભાળ્યો છે મોરચો. દેશમાં ઓક્સિજનના માગ અને ઉત્પાદન મુદ્દે પીએમ મોદીએ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક કરી. અને આ દરમિયાન ઓક્સિજનનું ઉત્પાદન વધારવાના રસ્તાઓ અને વિકલ્પો પર ચર્ચા કરી.
પીએમ મોદીએ એક દિવસ પહેલા બોલાવેલી બેઠકમાં ઓક્સિજનનું ઉત્પાદન વધારવા અને તેનું વિતરણ ઝડપથી કરવાની આવશ્યકતા પર ભાર મુક્યો. વડાપ્રધાને રાજ્યોને કોઇપણ રોકટોક વિના અને કોઇપણ પરેશાની વિના ઓક્સિજન મળે તે માટે અધિકારીઓને નિર્દેશ આપ્યા. પીએમે ઓક્સિજનની જમાખોરી કરનારા સામે રાજ્યોને કડક કાર્યવાહી કરવા પણ કહ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x