ગાંધીનગર : ઉમાં ભવન અને રાયસણ ખાતે ૧૦૮ ઓક્સિજન બેડ સાથે જાતિ ભેદભાવ વિના નિઃશુલ્ક કોવિડ સેન્ટર શરુ થશેે
ગાંધીનગર :
ગાંધીનગર સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલો પણ કોરોનાના દર્દીઓથી ઉભરાઈ ચૂકી છે. ત્યારે ગાંધીનગર કડવા પાટીદાર સમાજ તેમજ ઉત્તર દસકોઈ સમાજ દ્વારા ગાંધીનગરના સેક્ટર-12 ઉમિયા માતા ધામ તેમજ રાયસણની કમલા ફિઝિયોથેરાપી કોલેજમાં ઓક્સિજનની સુવિધા સાથે નિશુલ્ક કોવિડ સેન્ટર ટૂંક સમયમાં જ કાર્યરત કરી દેવામાં આવશે. આ બંને સેન્ટરો મળીને કુલ 108 બેડ ઓક્સિજનના રહેશે જેમાં દર્દીઓને નિશુલ્ક સારવાર આપવામાં આવશે.
રાજ્યભરમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં પણ કોરોના કેસમાં દિનપ્રતિદિન નોંધપાત્ર ઉછાળો આવી રહ્યો છે. કોરોનાના દર્દીઓ સારવાર માટે રીતસરની લાંબી કતારોમાં લાગી જવાનો વખત આવ્યો હતો હોવા છતાં તેઓને શહેરની સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં સમયસર સારવાર મળી રહેતી નથી.
કોવીડ સેન્ટર શરૂ કરવા માટે તડામાર તૈયારીઓ હાથ ધરાઇ
ગાંધીનગરની હોસ્પિટલોમાં ઓક્સિજનની માંગ વધી જવાથી કોરોના દર્દીઓ ટપોટપ મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. તો બીજી તરફ ખાટલા બાટલા અને લાકડાની પણ લાંબી કતારો ભવાજી ગાંધીનગરની પરિસ્થિતિ કફોડી બની જવા પામી છે. આ બધાની વચ્ચે ગાંધીનગરમાં પાટીદાર સમાજ સક્રિય થઇ ગયો છે જેના ભાગરૂપે ગાંધીનગર મેયર રીટા પટેલના પતિ કેતનકુમાર તેમજ ભાજપના મહામંત્રી ગૌરાંગ પટેલ સહિત સરદાર પટેલ ગ્રુપના પાટીદાર અગ્રણીઓ દ્વારા નગરજનો માટે નિશુલ્ક ઓક્સિજન બેડ સાથેની સારવાર માટેનું કોવીડ સેન્ટર શરૂ કરવા માટે તડામાર તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે. તમામ સુવિધાઓ સાથેનું કોવિડ કેર શરુ કરાશે.
ગાંધીનગર કડવા પાટીદાર સમાજ તેમજ ઉત્તર દસકોઈ પાટીદાર સમાજ દ્વારા સેક્ટર-12ના ઉમિયા માતા ધામ તથા રાયણના કમલા ફિઝિયોથેરાપી કોલેજમાં તમામ સુવિધાઓ સાથેનું કોવિડ કેર સેન્ટર ટૂંક સમયમાં જ શરૂ કરી દેવામાં આવશે. આ અંગે ગાંધીનગર ભાજપના મહામંત્રી અને સરદાર પટેલ ગ્રૂપના ગૌરાંગ પટેલે જણાવ્યું હતું કે, સેક્ટર-12માં આવેલા ઉમિયા માતા મંદિર ખાતે 36 ઓક્સિજન વાળા તેમજ 25 બેડ નોર્મલ દર્દીઓ માટે તૈયાર કરી દેવામાં આવ્યાં છે. જે સોમવાર સુધીમાં કાર્યરત કરી દેવામાં આવશે.
કોઈપણ દર્દીના જાતના ભેદભાવ વિના નિશુલ્ક સારવાર મેળવી શકશે
આ ઉપરાંત રાયસણ પેટ્રોલ પંપની પાછળ આવેલા કમલા ફિઝિયોથેરાપી કોલેજની હોસ્ટેલને પણ પણ કોવિડ કેર સેન્ટરમાં ફેરવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. અહીં ઓક્સિજનની જરૂરીયાત વાળા દર્દીઓને એકસાથે ઓક્સિજન સપ્લાય મળી રહે તે રીતની કામગીરી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. આ બંને સેન્ટર ઉપર કોઈપણ દર્દીના જાતના ભેદભાવ વિના નિશુલ્ક સારવાર મેળવી શકશે તેમજ સિવિલમાંથી પણ દર્દીઓ અત્રે શિફ્ટ કરવામાં આવશે. સેક્ટર-12ના ઉમિયા મંદિર તેમજ રાયસનની હોસ્ટેલમાં શરૂ થનાર બંને સેન્ટરો પર કુલ 108 ઓક્સીનજનનાં બેડ ઉભા થશે અને દરેક દર્દીને નિશુલ્ક સારવાર તેમજ દવાથી માંડીને સાત્વિક ભોજન નાસ્તો મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.
હાલમાં ઓક્સિજનના બાટલાની માંગ વધુ હોવાના કારણે સપ્લાય મળી રહ્યો નથી જેના કારણે હાલ ઉમિયા મંદિરનું સેન્ટર કાર્યરત થઈ શક્યું નથી જેના માટેની કવાયત ચાલી રહી છે. આ અંગે ગાંધીનગર મેયર રીટા પટેલે જણાવ્યું હતું કે, સેન્ટરોમાં ઓક્સિજન ના દર્દીઓને સમયસર અને પૂરતો ઓક્સિજન મળી રહે તે દિશામાં હાલમાં કામગીરી ચાલી રહી છે. તમામ પ્રકારની સગવડો તેમજ સવલતો ઉભી થઇ ગયા બાદ આ બંને સ્થળોએ સેન્ટર શરૂ કરી દેવામાં આવશે.