ગુજરાત

રાજ્યમાં હાલ ઓક્સિજનના 51 હજાર, ICUના 11,500 બેડ ઉપલબ્ધ : PMની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી બોલ્યાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે 10 કલાકે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી સંવાદ કર્યો હતો. જેમાં ગૃહમંત્રી અમિત શાહ પણ જોડાયા હતા. બેઠકમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક, રાજસ્થાન, બિહાર અને કેરળના મુખ્યમંત્રીઓ પણ જોડાયા હતા. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. જેમાં મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ, મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર અને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રી સાથે બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં રાજ્ય સરકાર, ખાનગી ક્ષેત્ર અને સામાજિક સંગઠનો ખભેથી ખભો મિલાવીને આગળ આવી રહ્યા છે. કોરોના સામેની લડતમાં રાજ્યની વિવિધ સામાજિક-ધાર્મિક સંસ્થાઓ પણ આગળ આવી છે. મોરબી જેવા ગ્રામીણ જિલ્લામાં 630 પથારીઓની ક્ષમતા વાળા 5 કોવિડ હેલ્થ સેન્ટર, વડોદરામાં બી.એ.પી.એસ. દ્વારા કોવિડ ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલની સ્થાપના અને સુરતમાં 15 કોમ્યુનિટી કેર સેન્ટર વગેરે તેના ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, 15મી માર્ચે રાજ્યમાં 42 હજાર બેડ હતા તેની સામે હાલ રાજ્યમાં 90 હજાર બેડ ઉપલબ્ધ છે. 1800થી વધુ કોવિડ હોસ્પિટલોમાં 11,500 આઇ.સી.યુ. બેડ અને 51 હજાર ઓક્સિજન બેડ ઉપલબ્ધ છે. આ સાથે ટેસ્ટિંગમાં વધારો કરીને 50 હજારની સામે 1.75 લાખ કરવામાં આવ્યા છે. જેમાં 70 હજાર જેટલા આર.ટી.પી.સી.આર. ટેસ્ટનો સમાવેશ થાય છે.

વિજય રૂપાણીએ આગળ કહ્યું કે, રાજ્યમાં નિષ્ણાંત તબીબોની એક ટાસ્ક ફોર્સ બનાવાઇ છે જેમાં સરકારી અને ખાનગી ક્ષેત્રના પ્રતિષ્ઠિત તબીબોને સમાવવામાં આવ્યા છે. તેમના માર્ગદર્શન અને સલાહ- સુચનથી વખતો વખત કાર્યરીતિ નીતિમાં બદલાવ કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે જ આ ટાસ્ક ફોર્સે માઇલ્ડ અને મોડરેટ દર્દીઓ માટે ફેવીપેરાવિર અને આઇવરમેક્ટીન દવાના ઉપયોગની સલાહ આપી છે. તેના થકી કોરોના દર્દીઓમાં વાયરલ લોડ ઓછો કરવામાં મદદ મળશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x