અમદાવાદમાં જ્વેલર્સ એસોસિયેશનનું 30 એપ્રિલ સુધી સ્વયંભુ લોક્ડાઉન
કોરોનાના વધતા જતા રોગચાળાને ધ્યાનમાં લઈને કોરોનાના સંક્રમણની ચેઈન તોડવા સોના- ચાંદીના વેપારીઓ તા. ૩૦ એપ્રિલ, ૨૦૨૧ સુધી બંધ પાળવાનું નક્કી કર્યું છે. એલિસબ્રિજ ટુ વ્હિલર્સ ઓટોમોબાઈલ એસોસીએશન દ્વારા શહેરના ૩૨૫ વર્કશોપ તા.૨૪ અને તા. ૨૫ એપ્રિલ. ૨૦૨૧ એમ બે દિવસ સ્વૈચ્છિક બંધ રહેશે. જો જરૂર પડે તો ભવિષ્યમાં અચોક્કસ મુદત માટે વર્કશોપ બંધ રાખીને સરકારને સપોર્ટ કરવા આ એસોસીએશને તૈયારી દર્શાવી છે. કોરોના સંક્રમણને અટકાવવા માટેના પ્રયાસોમાં શહેરના સોની મહાજનો જોડાયા છે. જ્વેલર્સ એસોસીએશન દ્વારા તા. ૩૦ એપ્રિલ, ૨૦૨૧ સુધી સ્વયંભૂ બંધ પાળવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે.
કપરી પરિસ્થિતિમાં રીટેઈલ, હોલસેલ જ્વેલર્સ, મેન્યુફેક્ચરર્સ અને કારીગર સહિત સોના- ચાંદીના વેપાર સાથે સંકળાયેલા પક્ષકારોના અભિપ્રાયો અને સૂચનોને ધ્યાનમાં લઈને તા. ૩૦ એપ્રિલ, ૨૦૨૧ સુધી સ્વયંભૂ બંધ પાળવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે. કોરોનાના સંક્રમણની ચેઈન તોડવા માટે સ્વંયભૂ બંધ પાળવા માટે એસોસીએશન દ્વારા સભ્યોને અપીલ કરાઈ છે અને આ અપીલને અનુસરીને શહેરના સી.જી. રોડ, આશ્રમ રોડ, શિવરંજની, જોધપુર ચાર રસ્તા, સિંધુભવન રોડ, વગેરે વિસ્તારોમાં લગભગ ૫૦૦ જેટલા સોના- ચાંદીના વેપારીઓ સ્વયંભૂ બંધ પાળશે. અગાઉ, સોના- ચાંદીના વેપારીઓએ શુક્ર, શનિ અને રવિવાર એમ ત્રણ દિવસ માટે બજારો બંધ રાખવાનું નક્કી કર્યું હતું. પરંતુ હવે તા. ૩૦ એપ્રિલ, ૨૦૨૧ સુધી બંધ પાળશે. ઉલ્લેખનીય છે કે, કોરોનાના સંક્રમણને અટકાવવા માટેના પ્રયાસોમાં ગાંધીરોડ વેપારી મંડળ, ઈલેક્ટ્રીકલ બજાર, દરિયાપુર હાર્ડવેર મરચન્ટ, અમદાવાદ સેનિટરીવેર મરચન્ટ્સ એસોસીએશન તેમજ ટાઈલ્સ એન્ડ સેનેટરીવેર્સ એસોસીએશન અને ટુ- વ્હીલર્સ ડીલર એસોસીએશન તેમજ ધી ગુજરાત ગારમેન્ટ એસોસીએશન પણ સ્વૈચ્છિક બંધમાં જોડાયા છે.