ધો.9 અને 11ના માસ પ્રમોશન આપવા અંગે માર્ગદર્શિકા જાહેર કરાઇ
ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા ધોરણ 9 અને 11માં માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતના પગલે રાજયના શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ તૈયાર કરવાની માર્ગદર્શીકા જાહેર કરી હતી. જેમાં કેટલાક મુદ્દાઓને લઈને બોર્ડ દ્વારા આજે સ્પષ્ટતા કરવામાં આવી છે. જે મુજબ ધોરણ 9 અને 11માં પ્રથમ કસોટી ના આપી હોય તેવા વિદ્યાર્થીઓની પ્રથમ કસોટી લીધા બાદ પરિણામ જાહેર કરવાનું રહેશે તેવો નિર્ણય લેવાયો છે. ઉપરાંત આંતરિક મૂલ્યાંકન બાકી હોય તેમનું પણ આંતરિક મૂલ્યાંકન કર્યા બાદ જ પરિણામ જાહેર કરવાનું નક્કી કરાયું છે.
રાજ્યમાં કોરોના પગલે ગુજરાત સરકાર દ્વારા ધોરણ 1થી 9 અને 11માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનું નક્કી કરાયું હતું. આ નિર્ણય બાદ શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 અને 11માં વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવા લઈને માર્ગદર્શીકા જાહેર કરી હતી. જોકે આ માર્ગદર્શિકા બાદ પણ કેટલાક મુદ્દાઓ ઉપસ્થિત થતાં ગુરુવારે શિક્ષણ બોર્ડ દ્વારા તે અંગેની સ્પષ્ટતાઓ કરી છે.
શિક્ષણ દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટતાઓ મુજબ ધોરણ 9 અને 11માં 50 ગુણની પ્રથમ કસોટીના આપી હોય તેવા વિદ્યાર્થીઓનું પરિણામ અટકાવી તેમની પહેલાં પ્રથમ કસોટી લેવાની રહેશે અને ત્યારબાદ જ આવા વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવાના રહેશે. આ ઉપરાંત સામયિક કસોટીના આપી હોય તેવા વિદ્યાર્થીઓની પણ પુનઃ સામયિક કસોટી લીધા બાદ પરિણામ જાહેર કરવાનું નક્કી કરાયું છે. આ જ રીતે આંતરિક મૂલ્યાંકન માટે પણ નિયમો લાગુ પડશે.
સમગ્ર વર્ષ દરમિયાન ઓનલાઇન શિક્ષણ ન કરનાર તેમજ કોઈપણ કસોટીના આપી હોય તેવા વિદ્યાર્થીઓને પણ પ્રથમ કસોટી ફરીથી લેવાનું નક્કી કરાયું છે. પરંતુ જો કોઈ વિદ્યાર્થી પ્રથમ કસોટી આપવા ન માંગતો હોય તો એવા વિદ્યાર્થીઓના પરિણામમાં માસ પ્રમોશનનો લાભ લેવા માંગતા નથી તેવું દર્શાવી તે ધોરણમાં મુકવાના રહેશે. આ જ રીતે કોઈ વિદ્યાર્થીએ પ્રથમ કસોટી આપી હોય પરંતુ માસ પ્રમોશનનો લાભ લેવા માંગતા ન હોય તેમના પરિણામમાં પણ માસ પ્રમોશનનો લાભ લેવા માંગતા નથી તેમને દર્શાવવાનું રહેશે.